ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન શરૂ થવામાં માત્ર થોડા જ કલાકો બાકી છે ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમને ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે. મુકેશ ઇજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. હવે CSKએ મુકેશની જગ્યાએ 20 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર આકાશ સિંહને પોતાની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.
આકાશ સિંહની વાત કરીએ તો તે વર્ષ 2020માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ હતો. આ સિવાય મુકેશ IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. આકાશ સિંહને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
જો આકાશ સિંહની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો આ યુવા ખેલાડીએ અત્યાર સુધી 9 ટી20 મેચ રમી છે જેમાં તેણે 34.85ની એવરેજથી 7 વિકેટ ઝડપી છે. તે જ સમયે, ડોમેસ્ટિક ક્રિકેટમાં, મુકેશ નાગાલેન્ડ ટીમ માટે રમે છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 5 મેચમાં 10 વિકેટ ઝડપી છે.
આગામી સીઝનની પ્રથમ મેચ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગત સીઝનમાં, મુકેશ ચૌધરીએ દીપક ચહરની ગેરહાજરીમાં CSK પેસ આક્રમણની આગેવાની કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુકેશે ગત સીઝનમાં 13 મેચ રમી હતી અને 26.5ની એવરેજથી કુલ 16 વિકેટ લીધી હતી, જેમાં તેણે એક મેચમાં 46 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પહેલા કાયલ જેમિસનના રૂપમાં ટીમને પહેલેથી જ મોટો આંચકો લાગ્યો છે.
આ સમયે સમગ્ર ક્રિકેટ જગતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો ફિવર જોવા મળી રહ્યો છે. આગામી સીઝન શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે જેમાં પ્રથમ મેચ 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.
આ મેચની શરૂઆત પહેલા આ વખતે ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે જે લગભગ 5 વર્ષ બાદ IPLમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. હાર્દિક પંડ્યા ગત સીઝનની જેમ ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન તરીકે જોવા જઈ રહ્યો છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશીપ સંભાળશે.
આ વખતે બંને ટીમોમાં કેટલાક ફેરફારો પણ જોવા મળશે, જેમાં કેન વિલિયમ્સન સિવાય શિવમ માવી, ઓડિયન સ્મિથ, જોશુઆ લિટલ, કેએસ ભરત અને મોહિત શર્મા ગુજરાત ટાઇટન્સ ટીમમાં જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તેમાં બેન સ્ટોક્સ સૌથી મોટા ખેલાડી તરીકે જોવા મળશે.