દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ ઘણા ક્રિકેટ રેકોર્ડ્સથી ભરેલી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા. આટલા મોટા ટાર્ગેટની સામે દુનિયાની કોઈપણ ટીમ સરળતાથી પોતાના હથિયાર નીચે મૂકી શકે છે. પરંતુ આફ્રિકન ટીમે 18.5 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને આ સ્કોરને હાંસલ કર્યો હતો. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોટો ચેઝ છે.
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
259 રનનો પીછો કરવા આવેલી સાઉથ આફ્રિકાની ટીમે આ મેચમાં ક્યાંય પાછળ વળીને જોયું નથી. આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રીક્સની જોડીએ પ્રથમ 6 ઓવરમાં 102 રન બનાવ્યા હતા. 10 ઓવરના અંતે, જોડીએ 149 રન બનાવ્યા હતા. અહીંથી ડી કોક 44 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રિલે રુસો પણ 4 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમે પણ 14 ઓવરમાં 200 રનનો આંકડો પાર કરી લીધો હતો. છેલ્લી 5 ઓવરમાં આફ્રિકન ટીમને જીતવા માટે 49 રનની જરૂર હતી. અને તેણે 19મી ઓવરના 5માં બોલ પર આ ટાર્ગેટનો આસાનીથી પીછો કર્યો. ડી કોકની સદી ઉપરાંત હેન્ડ્રીક્સે 68 રનની ઇનિંગ રમી હતી. અને એડન માર્કરામ 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં ડી કોકે માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે આફ્રિકન ટીમ માટે સૌથી ઝડપી છે.
ચાર્લ્સનો દાવ ખરાબ ગયો
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ 258 રન બનાવ્યા હતા. આ ઇનિંગનો હીરો જોન્સન ચાર્લ્સ હતો. આ મેચમાં ચાર્લ્સે 39 બોલમાં સદી ફટકારી હતી અને વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ચાર્લ્સે આ મેચમાં 46 બોલમાં 11 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 118 રનની ઈનિંગ રમી હતી. કાયલ મેયર્સ એ પણ 51 રન બનાવ્યા હતા. આ સિવાય રોમારિયો શેફર્ડ એ પણ 41 રન બાનાવ્યા હતા.