21 સપ્ટેમ્બર ગુરુવાર ભારતીય ફૂટબોલ માટે મિશ્ર દિવસ હતો. ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે બાંગ્લાદેશને હરાવી પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમને પ્રથમ મેચમાં ચાઈનીઝ તાઈપેઈ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભારતીય પુરુષ ટીમ પણ પ્રથમ મેચમાં ચીન સામે 5-1થી હારી ગઈ હતી. હવે કંઈક આવું જ મહિલા ટીમ સાથે પણ જોવા મળ્યું.
ગુરુવારથી 17 ટીમોની મહિલા સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં પાંચ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. 4-4 ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. જ્યારે ત્રણ ગ્રુપમાં 3-3 ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ ચાઈનીઝ તાઈપેઈ અને થાઈલેન્ડની સાથે ગ્રુપ બીમાં છે. પ્રથમ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે 24 સપ્ટેમ્બર, રવિવારે થાઈલેન્ડ સામે તેની બીજી મેચ રમશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની આ બીજી અને છેલ્લી મેચ હશે. ટીમ માટે આ મેચ સારી ફિનિશ સાથે જીતવી મહત્વપૂર્ણ રહેશે.
FULL-TIME ⌛
A massive effort by the girls against the Chinese Taipei, but it ends in a defeat. Nevertheless, the #BlueTigresses can hold their heads high after this performance
TPE 2-1 IND#TPEIND ⚔️ #19thAsianGames #IndianFootball ⚽ pic.twitter.com/YK4cPuVxiF
— Indian Football Team (@IndianFootball) September 21, 2023
શું થયું આ મેચમાં?
જો આ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે મેચની લગભગ 69 મિનિટ સુધી 1-0ની લીડ જાળવી રાખી હતી. તેમાં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો હતો. પરંતુ ત્યાર બાદ આગામી 20-21 મિનિટમાં ચાઈનીઝ તાઈપેઈના સ્ટ્રાઈકર્સે મેચનો પલટો કર્યો હતો. અંતે ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે આ મેચમાં અને મેચનો પ્રથમ ગોલ અંજુ તમંગે 46મી મિનિટે કર્યો હતો.
ત્યારબાદ 69મી મિનિટ સુધી લીડ ટીમ ઈન્ડિયા પાસે હતી. આ પછી ચાઈનીઝ તાઈપેઈના સ્ટ્રાઈકર લાઈ લી ચિને 69મી મિનિટે શાનદાર ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. મેચની છેલ્લી 6 મિનિટમાં ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. 84મી મિનિટે ચાઈનીઝ તાઈપેઈના સુ યુ સુઆને ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયા વધારાની 7 મિનિટ મળવા છતાં તેની બરાબરી કરી શકી નહીં.