શનિવારે (01 એપ્રિલ) રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. 194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. લખનઉ સુપર જાયન્ટ્સની જીતનો હીરો હતો કેરેબિયન ક્રિકેટર કાયલ મેયર્સ જેણે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ ઈંગ્લિશ ફાસ્ટ બોલર માર્ક વૂડે પણ ઘાતક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી.
194 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે સારી શરૂઆત કરી હતી અને ડેવિડ વોર્નરે પૃથ્વી શૉ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ત્યારબાદ માર્ક વૂડે સતત બે બોલમાં વિકેટ લઈને દિલ્હીને ઝટકો આપ્યો હતો. વુડે પહેલા પૃથ્વી શૉ (12)ને બોલ્ડ કર્યો હતો પછીના બોલ પર મિશેલ માર્શ (0)ને પણ બોલ્ડ કર્યો હતો. વુડે તેની આગામી ઓવરમાં વિકેટકીપર સરફરાઝ ખાન (4)ને આઉટ કર્યો હતો. જેના કારણે દિલ્હીનો સ્કોર સાત ઓવરમાં ત્રણ વિકેટે 48 રન થઈ ગયો હતો. અહીંથી દિલ્હીના બેટ્સમેનોએ અંત સુધી સંઘર્ષ કર્યો હતો.
જોકે દિલ્હીના રિલે રુસો અને ડેવિડ વોર્નરે ચોથી વિકેટ માટે 38 રન ઉમેરીને સ્થિતિ સંભાળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી રન-રેટ ઘણો વધી ગયો હતો અને દિલ્હીની ટીમ બેકફૂટ પર રહી હતી. રિલે રુસો 30 રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બિશ્નોઈએ રોવમેન પોવેલ (1)ને પણ એલબીડબલ્યુ આઉટ કર્યા બાદ 94 રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં દિલ્હીની આશા પર પાણી ફરી વળ્યું હતું. ડેવિડ વોર્નરે ચોક્કસપણે 48 બોલમાં 56 રન (સાત ચોગ્ગા) ફટકારીને થોડો સંઘર્ષ કર્યો પરંતુ તે જીતવા માટે પૂરતો નહોતો. લખનઉ તરફથી માર્ક વૂડની પાંચ વિકેટ ઉપરાંત રવિ બિશ્નોઈ અને અવેશ ખાને બે-બે વિકેટ ઝડપી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી અને ચોથી ઓવરના છેલ્લા બોલે કેપ્ટન કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ 8 રન બનાવીને અક્ષર પટેલના હાથે ચેતન સાકરિયાના હાથે કેચ આઉટ થયો હતો.
મેયર્સે ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી
મેયર્સે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, ચેતન સાકરિયાના બોલ પર ખલીલ અહેમદે જીવનદાન આપ્યો હતો. મેયર્સે દીપક હુડા સાથે 42 બોલમાં 79 રનની ભાગીદારી નોંધાવી. કુલદીપ યાદવે દીપક હુડાની વિકેટ લઈને આ ભાગીદારી તોડી હતી. દીપક હુડ્ડાએ 18 બોલનો સામનો કરીને 17 રન બનાવ્યા હતા.
અક્ષર પટેલે કાયલ મેયર્સને બોલ્ડ કરીને દિલ્હીને મોટી સફળતા અપાવી હતી. મેયર્સે 38 બોલમાં 73 રન બનાવ્યા જેમાં સાત છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. આ પછી માર્કસ સ્ટોઈનિસ પણ 12 રનના અંગત સ્કોર પર ખલીલ અહેમદનો શિકાર બન્યો
અહીંથી નિકોલસ પૂરને તોફાની બેટિંગ કરતા લખનઉને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. પુરને માત્ર 21 બોલમાં 36 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. છેલ્લી ઓવરમાં આયુષ બદોનીએ સિક્સર ફટકારી હતી. આયુષ બદોનીએ 18 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કૃણાલ પંડ્યાએ 15 અને કે. ગૌતમે છ રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને ચેતન સાકરિયાએ બે-બે વિકેટ લીધી હતી.