બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ શનિવારે (1 એપ્રિલ) મેડ્રિડ સ્પેન માસ્ટર્સ સુપર 300 ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેણે સેમિફાઇનલમાં સિંગાપોરની યેઓ જિયા મિનને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુ આ વર્ષે પ્રથમ વખત કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. સિંધુએ 24-22, 22-20થી મેચ જીતી હતી.
મિન સામે સિંધુની આ ચોથી જીત છે. સિંધુ પ્રથમ ગેમમાં એક તબક્કે 15-20થી પાછળ હતી. ત્યાર બાદ તેણે વાપસી કરી અને સાત ગેમ પોઈન્ટ બચાવ્યા હતા. સિંધુએ પ્રથમ ગેમ 24-22થી જીતી હતી. બીજી ગેમમાં પણ સિંધુ શરૂઆતમાં 1-4થી પાછળ હતી. તે પછી તેણીએ સતત પોઈન્ટ મેળવ્યા અને 11-6થી આગળ થઇ હતી. મિને સિંધુને જોરદાર ટક્કર આપી અને મેચને અંત સુધી રોમાંચક બનાવી રાખી હતી. સિંધુ બીજી ગેમ 22-20થી જીતવામાં સફળ રહી હતી.
ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ સિંધુની આ પ્રથમ ફાઈનલ છે. તે સ્થાનિક ખેલાડી અને ટોચની ક્રમાંકિત કેરોલિના મારિન અને ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા તુનજુંગ વચ્ચેની અન્ય સેમિફાઇનલ મેચના વિજેતા સાથે ટકરાશે. આ જીત સાથે સિંધુનું મનોબળ વધશે. લાંબી ઈજામાંથી વાપસી કર્યા બાદ તે ફોર્મ માટે સંઘર્ષ કરી રહી છે.
સિંધુ નવેમ્બર 2016 પછી પ્રથમ વખત ટોપ 10ની બહાર છે. તે પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. આ મહિનાની શરૂઆતમાં સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટાઇટલનો બચાવ કરવામાં પણ નિષ્ફળ ગઇ હતી. તે જાન્યુઆરીમાં ઈન્ડિયન ઓપન અને મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.
DC vs LSG IPL 2023: જીત સાથે લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત, દિલ્હી કેપિટલ્સને આપી કારમી હાર
શનિવારે (01 એપ્રિલ) રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. 194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. લખનઉ સુપર જાયન્ટ્સની જીતનો હીરો હતો કેરેબિયન ક્રિકેટર કાયલ મેયર્સ જેણે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ ઈંગ્લિશ ફાસ્ટ બોલર માર્ક વૂડે પણ ઘાતક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી.