Afghanistan vs England: અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું. આ મેચમાં અફઘાનિસ્તાન ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રહેમાનુલ્લા ગુરબાઝે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે તોફાની રીતે 80 રન બનાવ્યા હતા. તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. પરંતુ તેની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે જ અફઘાન ટીમ વનડે વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જવામાં સફળ રહી હતી. હવે જીત બાદ ICCએ ગુરબાઝ સામે મોટી કાર્યવાહી કરી છે. આ મોટું કારણ પણ સામે આવ્યું છે.
ગુરબાઝને ઠપકો આપ્યો હતો
અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝને ઈંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. ગુરબાઝે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ICC આચાર સંહિતાની કલમ 2.2નો ભંગ કર્યો હતો, જે ક્રિકેટના સાધનો, જર્સી, મેદાન પરના સાધનો અથવા ફિટિંગને નુકસાન પહોંચાડવા સંબંધિત છે. આ સાથે ગુરબાઝના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયો હતો કારણ કે 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો છે. જ્યારે કોઈ ખેલાડી 24 મહિનાની અંદર ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચે છે, ત્યારે તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
Afghanistan’s in-form opener has received a reprimand for an incident that took place during their #CWC23 victory over England in Delhi on Sunday.
Details https://t.co/upDWtXYr5T
— ICC (@ICC) October 17, 2023
ગુરબાઝે પોતાની ભૂલ સ્વીકારી
આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 19મી ઓવરમાં બની હતી જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝે આઉટ થયા બાદ તેનું બેટ બાઉન્ડ્રી લાઇન અને ખુરશી પર વાગ્યું હતું. ગુરબાઝે દોષ કબૂલ કર્યો હતો અને ICC એલિટ પેનલના મેચ રેફરી જેફ ક્રો દ્વારા સજા આપવામાં આવી હતી, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી.
ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું
રહેમાનુલ્લાહ છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ODI વર્લ્ડ કપ 2023માં તેણે અફઘાનિસ્તાન માટે 3 મેચમાં 148 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. તેની ગણતરી શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. અફઘાનિસ્તાને ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને એક મેચ જીતી છે. ટીમના 2 પોઈન્ટ છે અને તે છઠ્ઠા સ્થાને હાજર છે.