અફઘાનિસ્તાને ICC World Cup 2023 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 284 રન બનાવવામાં સફળ રહી અને ઈંગ્લેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો. લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનના સ્પિન બોલરો સામે શરણાગતિ સ્વીકારી અને ટીમ 69 રનથી મેચ હારી ગઈ. વર્તમાન વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની આ બીજી હાર છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે વર્લ્ડ કપમાં આટલો મોટો અપસેટ થયો હોય, આ પહેલા પણ એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે નબળી ટીમોએ મોટી ટીમોના પડકારને ખતમ કરી દીધો છે.
વર્લ્ડ કપમાં ટોપ 10 અપસેટ મેચોની યાદી નીચે મુજબ છે.
1. ઝિમ્બાબ્વે વિ ઓસ્ટ્રેલિયા, 1983 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. ઝિમ્બાબ્વેએ 1983 વર્લ્ડ કપના લીગ તબક્કામાં ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.
2. વેસ્ટ ઈન્ડિઝ વિ કેન્યા, 1996 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી કેન્યાની ટીમે પટનામાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.
3. ભારત વિ ઝિમ્બાબ્વે, 1999 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. તે સમયે નબળા ગણાતા ઝિમ્બાબ્વેએ લેસ્ટરમાં રમાયેલી વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતને ત્રણ રને હરાવીને સૌને ચોંકાવી દીધા હતા.
4. દક્ષિણ આફ્રિકા વિ ઝિમ્બાબ્વે 1999 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. ભારત સામે અપસેટ સર્જ્યા બાદ, ઝિમ્બાબ્વેએ દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવીને આ વર્લ્ડ કપમાં તેની બીજી મોટી સફળતા નોંધાવી.
5. પાકિસ્તાન વિ બાંગ્લાદેશ 1999 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે નોર્થમ્પટનમાં ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું.
6. શ્રીલંકા વિ કેન્યા 2003 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજ. 2003ના વર્લ્ડ કપમાં કેન્યાએ નૈરોબીમાં શ્રીલંકાને 53 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. કેન્યાની ટીમ આ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
7. બાંગ્લાદેશ વિ ભારત 2007 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાયેલ વર્લ્ડકપની ગ્રુપ બીની મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવીને મોટી સફળતા હાંસલ કરી હતી. ભારતીય ટીમ આ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
8 આયર્લેન્ડ વિ પાકિસ્તાન 2007 વર્લ્ડ કપ, ગ્રુપ સ્ટેજ. આ વર્લ્ડ કપમાં બીજો મોટો અપસેટ આયર્લેન્ડે પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવીને હાંસલ કર્યો હતો. આ હારને કારણે પાકિસ્તાનની ટીમ પણ આગલા રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી.
9 ઇંગ્લેન્ડ વિ આયર્લેન્ડ 2011 વર્લ્ડ કપ. બેંગલુરુમાં ગ્રુપ સ્ટેજની મેચમાં ઈંગ્લેન્ડને ત્રણ વિકેટથી હરાવીને આયર્લેન્ડે 2011 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જ્યો હતો.
10 આયર્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ 2015 વર્લ્ડ કપ. આયર્લેન્ડે 2015માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપમાં અપસેટ સર્જવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. આ વખતે ટીમે પૂલ સ્ટેજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જીતવા માટે 305 રનનો લક્ષ્યાંક 25 બોલ બાકી રહેતા છ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.