સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખો રૂપિયાના કાપડની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી ત્રણ વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતીના આધારે ફરાર આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી હાલ નવી મુંબઈમાં નાસતો ફરતો હતો. માહિતીના આધારે એક ટીમ નવી મુંબઈ તલોજા વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આરોપી રસીદ ઉર્ફે નાસીર રઝાક ગગન (ઉંમર 34)ની ધરપકડ કરી.
આરોપીઓ સામે વર્ષ 2020માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. 22.81 લાખ અને ઉધના પોલીસ સ્ટેશનમાં રૂ. 15.16 લાખની કિંમતનું કાપડ ખરીદીને પેમેન્ટ નહીં કરવા બદલ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી ત્રણ વર્ષથી પોલીસથી ફરાર હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આરોપી હાલ મુંબઈમાં ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈ જઈને આરોપીની ધરપકડ કરી સલાબતપુરા પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.