સુરતના વરાછા રોડ સ્થિત મોહનનગર સોસાયટીમાં સંત આશિષ હીરાના કારખાનામાં 48.86 લાખની કિંમતના 148 કેરેટના હીરાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે, જેમાં એક વ્યક્તિ મોં પર રૂમાલ બાંધીને ફેક્ટરીમાંથી હીરાની ચોરી કરતો જોવા મળે છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના વરાછા રોડ પર આવેલી સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં વહેલી સવારે એક વ્યક્તિ મોં પર રૂમાલ બાંધીને ઘૂસી ગયો હતો અને અન્ય કારીગરોની નજરને અવગણીને ચાલાકીપૂર્વક પ્રોસેસ્ડ હીરા લઈને ફરાર થઈ ગયો હતો. 48 લાખથી વધુની કિંમતના હીરાની ચોરી થયા બાદ કારખાનેદાર દ્વારા ચોરીની ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
એક યુવક વહેલી સવારે મોઢા પર રૂમાલ બાંધીને હીરાના કારખાનામાં ઘુસ્યો હતો. કારખાનામાં કામ કરતા કામદારોની નજર પડતાં તે પ્રોસેસિંગ યુનિટમાં રાખેલા હીરા લઈને ભાગી ગયો હતો. કારખાનામાં કામ કરતા ધુળાભાઈને હીરાના સ્ટોકની ગણતરી કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. સીસીટીવી ફૂટેજ જોતા 148 કેરેટનો હીરા બોઈલીંગ મશીનમાં પ્રોસેસ કરવા માટે મુકવામાં આવ્યો હતો, જે અજાણ્યો શખ્સ ચોરી કરીને ભાગી ગયો હતો.
બનાવ અંગે એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, કારખાનાના માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ મોઢામાં રૂમાલ બાંધીને ખાતામાં ઘુસ્યો હતો અને હીરાની ચોરી કરી ભાગી ગયો હતો.