સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષના બાળકને સ્કૂલ બસના ચાલકે ટક્કર મારતાં બાળકનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે.
શહેરમાં અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આ ઉપરાંત કેટલાક વાહનચાલકો વધુ ઝડપે વાહન ચલાવીને અકસ્માતો પણ સર્જી રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના સુરતના પાલ વિસ્તારમાં સામે આવી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલ-ગૌરવપથ રોડ પર કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂર પરિવારના માતા-પુત્ર શાકભાજી માર્કેટ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક સ્કૂલ બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ ચલાવીને 7 વર્ષના અબ્દુલ રઝાકને ટક્કર મારી હતી, જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઘટનામાં પોલીસે સ્કૂલ બસના ડ્રાઈવરની અટકાયત કરી છે. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.