સુરતના ગોડાદરા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. જમીન દલાલની ઓફિસમાં ઘૂસીને આરોપીઓ જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન સહિત કુલ 80 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીઓ બિલ્ડિંગના સીસીટીવીમાં કેદ થયા હતા. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરા વિસ્તારમાં રહેતા ગુડ્ડુ યાદવની ગોડાદરા વિસ્તારની સંસ્કૃતિ માર્કેટમાં ઓફિસ છે. ગુડ્ડુ યાદવ ગઈકાલે ઓફિસમાં હાજર ન હતા. તે સમયે તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસ જગન્નાથમાં કામ કરતા વ્યક્તિ તેની ઓફિસમાં હાજર હતા. દરમિયાન બપોરે 2.30 વાગ્યાના સુમારે રાહુલ રામ સુરત યાદવ અને તેના સાગરીતોએ ઓફિસમાં ઘૂસી રિવોલ્વર જેવું હથિયાર કાઢી સરજુ યાદવને બાકીના આઠ લાખ રૂપિયા ચૂકવી દેવાની ધમકી આપી હતી.
ગુસ્સે ભરાયેલા રાહુલે ઓફિસમાં હાજર ગુડ્ડુના ભાઈ સાથે ઝપાઝપી કરી હતી. ગુડ્ડુના ભાઈના ગળામાંથી સોનાની ચેઈન અને ઓફિસમાં રાખેલા 50 હજાર રૂપિયાની લૂંટ કરી હતી. આટલું જ નહીં, ધમકાવતાં અવાજ કરતાં ઓફિસના કાચ તોડીને ચાલ્યા ગયા હતા.
આ સમગ્ર મામલે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે ખંડણી અને લૂંટ સહિતની ગંભીર કલમો સાથે ગુનો નોંધ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.