સુરતઃ સામાન્ય રીતે પૈસાની બાબતમાં મસમોટા ઝગડા અને ખૂની હુમલાઓ થતાં આપણે જોયા હશે. પરંતુ સુરતમાં બનેલી એક ઘટનાથી સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. અહીં લાખો રૂપિયા નહીં પરંતુ માત્ર 20 રૂપિયા માટે થયેલા ઝગડાએ ખુની સ્વરૂપ ધારણ કર્યું હતું. અને 20 રૂપિયાની લેવડ઼દેવડમાં એક મિત્રએ બીજા મિત્રનું ખુન કરી નાંખ્યું હતું. નશાની હાલતમાં એક યુવકે બીજા યુવકને પહેલા માળેથી ધક્કો મારી દીધો હતો. જેના પગલે યુવક પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
સુરત જાણે કે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેવા બનાવો દરરોજ સામે આવતા રહે છે. હવે સુરત શહેરમાં માત્ર 20 રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલા પાલી ગામમાં ડૉક્ટર રાજેન્દ્રની ચાલમાં કેટલાક યુવાનો રહેતા હતા અને મિલમાં મજૂરી કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક મદદ કરતા હતા. જેમાંથી મોટાભાગના યુવાનો ઓડિશાના છે.
જેમાં બબલુ ગૌડા તેના પડોશમાં રહેતા ઉત્તમ ધનંજય મોહંતી બંને દારૂ પીવા માટે બેઠો હતો. દારૂ પીને આ બંને યુવાન વચ્ચે રૂપિયા 20ની લેતીદેતી બાબતે ઝઘડો શરુ થયો હતો. જોત જોતામાં ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઉત્તમે પહેલા માળેથી બબલુને ધક્કો મારી દીધી હતો.
નીચે પડવાને કારણે બબલુના શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા બાદ તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને મૃતકના મિત્ર એવા ઉત્તમ ધનંજય મોહંતીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છાસવારે હત્યા, હત્યાના પ્રયાસ અને છેડતીના બનાવો બનતા રહે છે. જેને લઈને પોલીસે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. જોકે, ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ દરરોજ ગુનાખોરીના બનાવો બનતા રહે છે.