સોશિયલ મીડિયા પર એકબીજા સાથે મિત્રતા કર્યા બાદ છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની એક યુવતી સોશિયલ મીડિયા પર નાઈજિરિયન યુવકના સંપર્કમાં આવીને 57.39 લાખની છેતરપિંડી કરી હતી. સુરત પોલીસના સાયબર સેલમાં ગુનો નોંધાયા બાદ નાઈજીરીયન આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
સુરતની એક યુવતી સોશિયલ મીડિયા પર નાઈજીરિયન યુવકના સંપર્કમાં આવી હતી. નાઈજીરિયન યુવકે દિલ્હીથી સુરતની યુવતીનો સંપર્ક કર્યો હતો. થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. નાઈજિરિયન વ્યક્તિએ ગિફ્ટ મોકલી અને ગિફ્ટ મેળવવા માટે છોકરીને પૈસા ચૂકવવા પડશે તેવું કાવતરું કરીને પૈસા પડાવી લીધા.
દિલ્હી ઇમિગ્રેશનના વેશમાં પ્રિયાના નામે ફોન આવ્યો. મહિલાએ પોતાની ઓળખ એરપોર્ટ કર્મચારી તરીકે આપી હતી. યુવતીને સુરતથી બોલાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે મોકલેલી ગિફ્ટ રિડીમ કરવા માટે તેણે પાઉન્ડને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવું પડશે અને તેના માટે ફી ચૂકવવી પડશે, ત્યારબાદ જ તેને ગિફ્ટ મળશે.
સુરતની યુવતીને નાઇજિરિયન વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી ભેટને રિડીમ કરવા માટે 1 મે, 2022થી 12 ઓગસ્ટ, 2022 વચ્ચે 57,39,500 ચૂકવવામાં આવ્યા હતા. યુવતીએ બે અલગ-અલગ ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. યુવતીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટા ભાગના કેસોમાં ઓછા ભણેલા આરોપીઓ સાયબર ગુનાઓ કરતા પકડાય છે. ઘણા ખરા લોકો માત્ર ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જ એકબીજાના સંપર્કમાં આવે છે અને પછી છેતરપિંડીનો શિકાર બને છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ નાઈજીરિયન યુવકના સંપર્કમાં આવેલી સુરતની યુવતીને ગંભીર પરિણામો અને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. તમારી સાથે કોઈ મોટું કૌભાંડ ન થાય તે માટે સુરત પોલીસે તમામ લોકોને સોશિયલ મીડિયા દ્વારા અજાણ્યા વ્યક્તિની વધુ નજીક ન જવાની અપીલ કરી છે.