સુરત શહેરના સૌથી પોશ વિસ્તાર એવા વેસુમાં અવારનવાર ઘરોમાંથી નોકરાણીઓ ચોરી કરતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પોલીસ દ્વારા નોકરાણીઓને ઘરમાં રાખતા પહેલા તેમની વિગતો પોલીસને આપવાનું કહેવા છતાં પણ આ વિસ્તારના લોકો નિયમોનો અમલ કરતા નથી. જેના કારણે આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સતત બની રહી છે. નોકર ચોરીની વધુ એક ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં એક નિવૃત મામલતદારના ઘરે એક દિવસ પહેલા બે મહિલાઓ ઘરેલુ કામ માટે આવી હતી. મહિલાઓએ ઘરના માલિકને કહ્યું હતું કે સાહેબ પહેલા અમારું કામ જુઓ, પછી જો યોગ્ય લાગે તો અમને ઘરના કામ માટે રોકો.
ઘરના માલિકે બંને મહિલાઓને ઘરમાં સફાઈ કામ માટે રાખ્યા હતા. ઘર સાફ કરવાના બહાને માત્ર 40 થી 45 મિનિટમાં જ ઘરમાંથી 20 તોલા સોનાના દાગીનાની ચોરી કરી બંને મહિલાઓ ભાગી છૂટી હતી. સોનાનું મંગળસૂત્ર, પેન્ડન્ટ, સેટ, માળા, બ્રેસલેટ સહિત 7.80 લાખની કિંમતના આશરે 20 તોલા સોનાની ચોરી થઈ હતી.
આ બનાવની જાણ થતાં નિવૃત મામલતદારે સુરત વેસુ પોલીસ મથકે પહોંચી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક નજીકમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી હતી. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આ બે મહિલા ચોરને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે. જ્યારે ઘરમાં લગાવેલા સીસીટીવીમાં નોકરાણી જતી જોવા મળી હતી.