ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતોની વધતી સંખ્યાને કારણે મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાઇવે પર ઓવર સ્પીડને કારણે લોકો જીવ ગુમાવે છે. સુરત જિલ્લાના કોસંબા પાસે એક દર્દનાક અકસ્માતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ડમ્પર ચાલકે કાર બચાવવા માટે બ્રેક લગાવતાં પાછળથી આવતી બસના ચાલકે ડમ્પરને પાછળના ભાગે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જેસીબીની મદદથી મૃતદેહને બહાર કાઢવો પડ્યો હતો. આ ઘટનામાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના કોસંબા નજીક નેશનલ હાઈવે પર ડમ્પર સાથે પાછળથી આવતી લકઝરી બસ અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 108ની મદદથી 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાઇવે પર આગળ વધી રહેલી કારના ચાલકે અચાનક બ્રેક લગાવતાં ડમ્પર ચાલકે પણ બ્રેક લગાવી હતી. આથી હાઈવે પર તેજ ગતિએ પસાર થઈ રહેલી લક્ઝરી બસ ડમ્પરની પાછળ આવી ગઈ હતી. ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારવાના કારણે બસ ચાલક બ્રેક લગાવી શક્યો ન હતો અને બસ ડમ્પરના પાછળના ભાગે ઘુસી ગઈ હતી.
આ અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય એક પુરુષ મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં લક્ઝરી બસની ડ્રાઈવર સાઇડને ખરાબ રીતે નુકસાન થયું હતું. જેના કારણે બસમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી અને બસના પત્રો ખેંચીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક 108ની 3 ટીમની મદદથી ઇજાગ્રસ્તોને લક્ઝરીમાંથી બહાર કાઢી કામરેજની દીનબંધુ હોસ્પિટલ અને સુરતની સ્મીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. હાલ કોસંબા પોલીસે બંને મૃતકોના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.