સુરતઃ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાતી રહે છે. ત્યારે આવી જ એક શરમજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરતના પાલનપુર પાટિયા પાસે સંબંધોને તારતાર કરનારી ઘટના બની હતી. અહીં રાત્રે લઘુશંકા કરવા બહાર ગયેલી પરિણીતા ઉપર કાકા સસરાએ દુષ્કર્મ આચર્યું હતું. અને કાકા સસરાએ મારી નાંખવાની ધમકી આપતા મહિલા વતન મધ્ય પ્રદેશ ચાલી ગઈ હતી. મધ્ય પ્રદેશ જઇને પરિવારને આ અંગે જાણ કરતા પરિવારે મધ્ય પ્રદેશમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ એમપી પોલીસે ફરિયાદ સુરત મોકલી હતી. જેના પગલે સુરત અડાજણ પોલીસ ગુનો નોંધી તપસા હાથધરી હતી
મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ખાતે આવેલા પાલનપુર પાટીયા પાસે બાંધકામની સાઈડ પર રહેતી એક પરિણીતા પોતાના પતિ અને અન્ય સંબંધી સાથે રહેતી હતી. મહિલા પરિવાર સાથે બાંધકામની સાઇટ પર એક ઝૂંપડામાં રહેતી હતી. આસપાસ અન્ય મજૂરો પણ ઝૂંપડા બનાવી રહેતા હતા. એક ઝૂંપડાઓમાં મહિલાનો કાકાજી સસરો પુંજા મેહજી ખરાડી પણ રહેતો હતો. તે પણ મજૂરીકામ કરતો હતો.
ગત તારીખ 14 જાન્યુઆરીએ પરિણીતા રાત્રિના સમયે લઘુશંકા માટે ગઇ હતી. આ સમયે તેનો કાકો સસરો પુંજા પાછળ ગયો હતો અને મહિલાનું મોઢું દબાવીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજારનાર કાકા સસરા આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી. મહિલા મૂળ મધ્ય પ્રદેશની વતની હોવાથી આ વાત કોઈને કહી ન હતી. થોડા દિવસ બાદ પરિણીતા પતિ સાથે પોતાના વતન પરત ફરી હતી. જ્યાં તેણીએ પોતાની સાથે બંનેલી ઘટનાની જાણકારી પોતાના પતિને આપી હતી.
જે બાદમાં પરિણીતાના પતિએ પત્ની સાથે બનેલી ઘટના મામલે પોલીસ ફરિયાદ કરી હતી. સમાજની મધ્યસ્થી થયા બાદ પરિણીતાએ મધ્ય પ્રદેશમાં કાકા સસરા સામે ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ લઈને આ ગુનો સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં બનેલો હોવાથી ફરિયાદ સુરત ખાતે ટ્રાન્સફર કરી હતી. આ મામલે હવે અડાજણ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી કરી છે.