ભારતમાં 5-જી નેટવર્કનું રોલઆઉટ તેના ફાઇનલ તબક્કામાં પહોંચી ગયું છે. આ વર્ષના અંત સુધીમાં આપણને 5-જી સર્વિસ મળવાની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે. હાલમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના કેન્દ્રિય મંત્રીએ ઇન્ડિયા ટેલિકોમ ૨૦૨૨ બિઝનેસ એક્સપોમાં આ વાત કહી હતી. આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રીએ પણ બજેટ સત્ર દરમિયાન જાહેર કર્યું હતું કે આ વર્ષમાં જ ભારતમાં 5-જી સર્વિસ શરૂ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમનું ઓકશન આગામી મહિનાઓમાં કરવામાં આવશે.
જોકે આ પ્રક્રિયા ઓગસ્ટ મહિનામાં થવાની શક્યતા છે. એ જોતાં 5-જી સર્વિસ શરૂ થતાં વર્ષનો અંત તો આવી જ જશે. શરૂઆતમાં અમદાવાદ, ગાંધીનગર, જામનગર સહિત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદ્રાબાદ, કોલકત્તા, ચેન્નઈ, પૂણે, ગુરૂગ્રામ, ચંદીગઢ, લખનૌ વગેરે શહેરોમાં ફાઇવ-જી સર્વિસ મળવાની શરૂઆત થશે. આ શહેરોમાં 5-જીની ટ્રાયલ સર્વિસ શરૂ થઈ ચૂકી છે.