નવી દિલ્હી : કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વવ્યાપી લોકડાઉનને કારણે વીડિયો કોન્ફરન્સિંગ સેવાને વેગ મળ્યો છે. હવે રિલાયન્સ જિયો પણ આ જગ્યામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે.
રિલાયન્સ જિયોએ કહ્યું કે, કંપની વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ એપ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ એપને જિયો મીટ ( Jio Meet) કહેવાશે અને તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી તૈયાર કરવામાં આવશે.
એક અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પંકજ પવારે કહ્યું છે કે, “જિયો મીટ એક પ્લેટફોર્મ છે જે અલગ છે અને તે તમામ ડિવાઇસીસ અને તમામ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર કામ કરી શકે છે.”
રિપોર્ટ અનુસાર કંપનીએ કહ્યું હતું કે, તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે ગૂગલે તેનું વીડિયો કોલિંગ પ્લેટફોર્મ ગૂગલ મીટ તાજેતરમાં જ ફ્રી કર્યું છે. અગાઉ વીડિયો કોલિંગ માટે ચાર્જ લેવામાં આવતો હતો.