ટંકારા : ૧૦ માસના બાળકને હૃદયમાં કાણું હતું, વિનામૂલ્યે ઓપરેશન કરી બાળકને નવજીવન આપ્યું
ટંકારા: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં જન્મથી જ હૃદયમાં કાણું (congenital heart disease) ધરાવતું ૧૦ માસનું બાળક ધ્રુવ કાનજીભાઈ વાઘેલાનું ટંકારા તાલુકાની RBSK ટીમ દ્વારા વિનામુલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા જે. દવે અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. જી. બાવરવાનાં માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, RBSK ટીમનાં મેડિકલ ઓફિસર ડો. અમિતા સનારિયા, ડો. કેયૂર જાની દ્વારા બાળકનાં ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી જે બાળકને હૃદયરોગ હોવાની જાણ થતા રીફર કાર્ડ ભરી જિલ્લામાં મંજૂરી માટે જરૂરી ડોક્યુમેન્ટનું માર્ગદર્શન આપ્યું હતું
તેમજ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ જ્યાં બાળકનું RBSK કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ સારવારનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ૩-૪ લાખનો ખર્ચ આવે છે અને બાળકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિના મૂલ્યે સારવાર, યોગ્ય સમયે માર્ગદર્શન તથા રેફરલ સર્વિસ આપવામાં આવતા બાળકને નવજીવન મળ્યું હતું જે બદલ પરિવારે RBSK ડો. અમિતા સનારીયા તથા ડો. કેયૂર જાનીનો તથા સરકારની યોજનાનો આભાર માન્યો હતો.