વાપીમાં જયાં-ત્યાં ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે. જેમાં કેટલાક સ્થળોએ કચરાપેટીનો અભાવ પણ હોવાનું દેખાઈ રહ્યું છે. જવાબદાર વિભાગની ટીમ દ્વારા સફાઈ કામદારો આવતા હોય છે અને ઉપરા-છાપરી સાફસફાઈ કરી ચાલ્યા જાય છે. વાપીમાં સ્વચ્છતાના નામે મીંડું દેખાઈ રહ્યું છે. નોંધનીય છે કે, સ્વચ્છતા જાળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ મહિને કરવા છતાં સફાઈ યોગ્ય રીતે ન થતી હોવાનું ફલિત થઈ રહ્યું છે. વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીકમાં જ અનેક નાની-મોટી હોટલ, દુકાનો, ઓફિસો આવેલી છે. અહીં કચરાપેટીનો અભાવ દેખાઈ રહ્યો છે. અહીં દિવસભર નીકળતો કચરો ખુલ્લેઆમ માર્ગ નજીકમાં ઠાલવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આ માર્ગ પરથી પસાર થનારા રાહદારીઓએ પણ મોં ઉપર રૂમાલ મૂકીને પસાર થવાની નોબત આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, સફાઈ કામદારો અહીં સફાઈ માટે આવતા હોય છે પરંતુ સફાઈ તેઓ યોગ્ય રીતે કરતા ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જયારે ગટરોની અંદર પણ કચરાની ભરમાર જોવા મળી રહી છે. વાપીમાં જયાં-ત્યાં ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે. જયારે સ્વચ્છતાના નામે માત્ર ઠેકડી જ ઉડાડતા હોવાનું ફલિત થઈ રહ્યું છે. જવાબદાર વિભાગની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાનને નામે માત્ર ફોટોગ્રાફી જ કરાવતા હોય છે. જયારે ગામમાં ફરો તો માલુમ પડે કે ગંદકી કયાં થાય છે અને તે નિવારવા માટે કયા પગલા ભરવા જોઈએ. નોંધનીય છે કે, વાપી વિસ્તારમાં કેટલાક સ્થળોએ કચરાપેટીઓ મૂકવામાં આવેલી છે જયાં કચરો ઠાલવવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે સફાઈ કામદારો પણ આવતા હોય છે જો કે, કેટલાક લોકો કચરાપેટીમાં કચરો ન નાંખી બહાર જ ફેંકી જાય છે અને તેને કારણે ગંદકીમાં વધારો થઈ રહ્યો છે. કચરાના ઢગલાઓને લઈ પશુઓ પણ ખોરાકની શોધમાં આવતા હોય છે અને કચરો વેરવિખેર કરી નાંખતા હોય છે. જવાબદાર વિભાગની ટીમ દ્વારા સમયાંતરે સાફસફાઈ કરવામાં આવે તે જરૂરી છે.