સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી બાદ હવે ટેક્સ ચોરીના મામલામાં રીયલ મેડ્રિડના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ ફસતો નજરે પડી રહ્યો છે. સ્પેનની સ્ટેક્સ ઓથોરીટીનું માનવુ છે કે, ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૮.૮૫ મિલીયન ડોલરની ટેક્સ ચોરી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રોનાલ્ડો પર આ ટેક્સ ચોરીનો આરોપ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન થયેલ આવક મામલે છે. ઈન્કમટેક્સ વિભાગનું માનવુ છે કે આ સમય દરમિયાન રોનાલ્ડોએ પોતાની આવકનો યોગ્ય હિસાબ રજુ કર્યો નથી. જોકે, આ મામલે હજી સુધી ઈન્કમટેક્સ વિભાગે રોનાલ્ડોને કોઈ નોટિસ ફટકારી નથી. ઈન્કમટેક્સ વિભાગ અત્યારે રોનાલ્ડો સાથે કઈ રીતે મજબૂત કેસ બનાવી શકાય તે અંગે ચર્ચા કરી રહ્યુ છે.
કારણકે ઈન્કમટેક્સ વિભાગ રોનાલ્ડો સામે કોઈપણ પ્રકારનુ પગલુ ભરતા પહેલા પોતાનો પક્ષ મજબુત બનાવવા માંગે છે. એક વખત એ અંગેના પુરતા પુરાવા એકત્રિત કરી લેવાય કે રોનાલ્ડોએ નાણાંની હેરફેર કરી છે તો તેને ૮.૯૫ મિલિયન ડોલરની ટેક્સ ચોરી મામલે નોટિસ ફટકારવામાં આવશે. એટલુ જ નહીં આ અપરાધિક કેસ બનશે તો તેને ૧૨ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે. આ ઉપરાંત કોર્ટ તેને દંડ પણ ફટકારી શકે છે.
મહત્વનું છે કે, આ પહેલા સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી પર ૪.૭૦ મિલીયન ડોલરની ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો હતો. જેમાં કોર્ટે તેને દોષિત જાહેર કરીને ૨૧ મહિનાની જેલની સજા ફટકારી છે.