ભારતે હોકી જુનિયર વિશ્વકપમાં બેલ્જિયમને ૨-૧થી હરાવીને વિશ્વ ચેમ્પિયનનો તાજ પોતાના નામ ઉપર કરી લીધો છે. ભારતની ટીમે આ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ધરખમ દેખાવ કર્યો હતો. ભારતીય જુનિયર હોકી ટીમે પોતાની તમામ છ મેચમાં જીત મેળવી હતી. ૧૫ વર્ષ બાદ ભારતે આ તાજ ફરી એકવાર પોતાના નામ ઉપર કરવામાં સફળતા મેળવી છે.
આ અગાઉ વર્ષ ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં ભારતે આર્જેન્ટીનાને હરાવીને આ તાજ ઉપર કબજો જમાવ્યો હતો. રવિવારના દિવસે અહીં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં શાનદાર હોકીની રમત રમીને હોકી વર્લ્ડકપમાં જુનિયરનો તાજ ભારતે જીત્યો હતો. ખેલના પ્રથમ હાફમાં બે ગોલની લીડ મેળવી લીધા બાદ ભારતીય ટીમે સમગ્ર મેચમાં બેલ્જિયમ ઉપર પ્રભુત્વ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. બે ગોલથી પાછળ રહી ગયા બાદ બેલ્જિયમની ટીમો ગોલ કરવાના તમામ પ્રયાસો કર્યા હતા.
ભારત તરફથી ગુરજંત અને સિમરનજીતસિંહે ગોલ કર્યા હતા. આ મેચમાં પ્રથમ ગોલ કરનાર ગુરજંતસિંહને તેમના શાનદાર દેખાવ બદલ મેચ ઓફ દ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતની ટીમે બેલ્જિયમની સામે આક્રમક શરૃઆત કરી હતી. પહેલા હાફમાં જ બે ગોલ ઝીંકી દીધા હતા. ટીમ ઇન્ડિયા તરફથી ૮મી મિનિટમાં જ પ્રથમ ગોલ ગુરજંતસિંહ દ્વારા કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૨મી મિનિટમાં સિમરનજીતસિંહે વધુ એક ગોલ ફટકારી રોમાંચકતા જગાવી હતી. ગુરજંતે પ્રથમ ગોલ કરવામાં આવ્યા બાદ સ્કુપ પાસને શાનદારરીતે હાથ ધરીને રિવર્સ હિટ મારફતે ગોલ ફટકારી દીધો હતો. ભારતીય ટીમ આ ફાઇનલ મેચમાં ઉર્જા સાથે ઉતરી હતી. તમામ ખેલાડીઓ સંપૂર્ણ જુસ્સામાં દેખાયા હતા. ટીમની રમતને જોઇને એવું લાગી રહ્યું હતું કે, ભારતીય ટીમ પોતાની હરીફ ટીમને કોઇ તક આપવા ઇચ્છુક નથી. મોટાભાગના સમયે ભારતીય ટીમે બોલ પોતાની પાસે રાખ્યો હતો. બેલ્જિયમની ટીમે પણ ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તક હાથ લાગી ન હતી. મેચ પૂર્ણ થતાં પહેલા પેનલ્ટી કોર્નર મારફતે બેલ્જિયમે એક ગોલ કરવામાં સફળતા મેળવી હતી.