સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખો રૂપિયાની ચિટીંગના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સુરત શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં અત્યાર સુધીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અનેક ગુનેગારોને પકડવામાં આવ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે નવી મુંબઈના તલોજા વિસ્તારમાં આવેલા હેરિટેજ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાંથી સુરતના સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ચિટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી રસીદ ઉર્ફે નાસીર મેમણની ધરપકડ કરી છે.આરોપી સામે વર્ષ 2020માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 22,81,880 રૂપિયા અને ઉધના પોલીસ સ્ટેશનમાં 15,16,620ની કાપડ ચિટીંગનો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ તે પોલીસથી બચવા માટે અલગ-અલગ જગ્યા પર નાસતો ફરતો હતો. જોકે આરોપી પોલીસથી બચવા મુંબઈ ગયો હતો અને મુંબઈમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે ટેક્સી ડ્રાઇવિંગનું કામ કરતો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચિટીંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીએ આ જ પ્રકારે સુરત કાપડ માર્કેટમાં કેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. વેપારીઓ પાસે લીધેલો માલ પકડાયેલા આરોપીએ કોને કોને અને શું ભાવે વેચ્યો છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી કયા પ્રકારના ગુના અને કોની સાથે મળીને આ ગુના આચરતો, તે મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.