વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે એલિમિનેટર મેચ રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને UP વોરિયર્સની ટીમો સામસામે હતી. આ મેચમાં મુંબઈએ ફરી એકવાર જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે મહિલા IPLની પ્રથમ ફાઈનલ મેચ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મુંબઈએ એલિમિનેટ મેચમાં યુપીને 72 રને હરાવીને મોટી જીત નોંધાવી છે.
વિમેન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુપીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી નેટ સીવર-બ્રન્ટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 38 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી જેમાં 9 ફોર અને 2 સિક્સ સામેલ હતી.
યુપી 110 રનમાં ઓલઆઉટ
તેમના સિવાય યાસ્તિકા ભાટિયાએ 18 બોલમાં 21 રન, હેલી મેથ્યુઝે 26, હરમનપ્રીતે 14 અને મિલી કેરે 29 રન બનાવ્યા હતા. આ તમામ ઇનિંગ્સની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા અને જવાબમાં યુપીની ટીમ 17.4 ઓવરમાં માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
યુપીની બેટિંગ શરૂઆતથી જ ખરાબ રહી હતી. તેણે માત્ર 21 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. યુપી વોરિયર્સ તરફથી કિરણ નવગીરે સૌથી વધુ રન બનાવ્યા હતા. કિરણે 27 બોલમાં 43 રનની ઇનિંગ રમી જેમાં 4 ફોર અને 3 સિક્સ સામેલ હતી. તેના સિવાય યુપીનો કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને પણ સ્પર્શી શક્યો નહોતો.
દરેક વિભાગમાં મુંબઈ માટે આજનો દિવસ સારો હતો. તેણે પહેલા બેટિંગમાં અને પછી બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું, ઇસી વોંગે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને હેટ્રિક સહિત 4 વિકેટ લીધી. ઈસી વોંગ મહિલા આઈપીએલમાં હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની ગઈ છે. તેમના સિવાય નેટ સીવર, સાયકા ઈશાક અને હેલી મેથ્યુસને પણ 1-1 વિકેટ મળી હતી.