હાલમાં જ પદ્માવતી ફિલ્મનું દીપિકા પદુકોણનું ‘ઘૂમર’ ગીત રીલીઝ થયું છે. આ ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ગીતમાં દીપિકા સાથે બીજી એક રાણી પર પણ બધાની નજર ચોંટી ગઈ છે. શાહિદ કપૂર અને દીપિકા પદુકોણ સાથે ઘૂમર ગીતમાં અનુપ્રિયા ગોઈન્કાએ પણ બધાનું ધ્યાન દોર્યું છે.
આ ફિલ્મમાં શાહિદના પાત્ર રાજા રતન સિંહની બે પત્ની દર્શાવવામાં આવી છે, નાગમતી અને પદ્માવતી. નાગમતી રાજાની પ્રથમ પત્ની હોવાથી તેના અને પદ્માવતી વચ્ચે દુશ્મની છે. એટલે કે બાજીરાવ-મસ્તાનીની જેમ જ આ ફિલ્મમાં પણ દીપિકાનું પાત્ર હીરોની પ્રથમ પત્ની સામે બાથ ભીડતું જોવા મળશે. ભણશાલી કદાચ ફિલ્મની રીલીઝ પછી જ આ સિક્રેટ બહાર પાડવા માંગતા હતા પણ ઘૂમરની રીલીઝ પછી આ સિક્રેટ જગજાહેર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે અનુપ્રિયા તાજેતરમાં જ મિંત્રાની એક એડમાં લેસ્બિયન તરીકે જોવા મળી હતી. અર્જુન રામપાલની ડેડી અને વરૂણ ધવનની ઢિશૂમમાં પણ જોવા મળી હતી. ઘૂમરમાં અનુપ્રિયાના સૌંદર્યના ખાસ્સા વખાણ થઈ રહ્યા છે.
બોલિવુડમાં અનેક હીરોઈનોને શાહી અંદાજમાં રજૂ કરવામાં આવી છે. મધુબાલાને મુઘલ-એ-આઝમમાં, પ્રિયંકા ચોપરાને બાજીરાવ-મસ્તાનીમાં, કરીના કપૂર ખાનને અશોકામાં, દીપિકા પદુકોણને બાજીરાવ-મસ્તાનીમાં, ઐશ્વર્યા રાયને જોધા અકબરમાં, હેમા માલિનીને રઝિયા સુલતાનામાં, તમન્ના,અનુષ્કા શેટ્ટીને બાહુબલિમાં શાહી અંદાજમાં જોઈ શકાય છે.