વડોદરાના કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી 17 વ્યક્તિઓએ બનાવટી ડોક્યુમેન્ટ રજૂ કરીને લોન થકી મોબાઇલની ખરીદી કરી હતી.જોકે મોબાઇલ ખરીદ્યા પછી બાકીના હપ્તા નહીં ચુકવીને 1.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના અકોટા ખાતે આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં સિનિયર ડિસટીક મેનેજર તરીકે ફરજ બજાવતા અંકિતભાઈ તુનારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા માટે જરૂરિયાતમંદ ગ્રાહકોને સિક્યુલ લોન આપે છે અને તે લોન વિવિધ ડિલર્સ અને દુકાન માલિક સાથે કંપનીના ધારાધોરણ તથા નીતિ-નિયમ મુજબ કરાર કરી ગ્રાહક પાસેથી તેઓના વ્યક્તિગત ઓળખ પુરાવા અને આઈડી પ્રુફ લઇને લોનની પ્રોસેસ કરવામાં આવે છે.
આ દરમિયાન વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી જાસ્મિન ઈન્ફિનિટ ટ્રેડ પ્રા.લિ. નામની મોબાઇલની દુકાન સાથે અમારી કંપનીનો કરાર થયો છે, જ્યાં અમારા કર્મચારીઓ પણ મુકવામાં આવ્યા હતા. 17 જેટલા વ્યક્તિઓએ મોબાઇલ ફોનની માસિક હપ્તેથી ખરીદી કરી હતી અને લોનની પ્રોસેસમાં તેઓએ ખોટા અને બનાવટી આઇડી પ્રૂફ રજૂ કરીને પ્રથમ બે હપ્તા ભર્યા પછી લોનના હપ્તા નહીં ભરીને કંપની સાથે રૂપિયા 1,40,961 રૂપિયાની છેતરપિંડી આચરી હતી. તે ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.