વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આજવા સરોવરથી પાણી આપવામાં આવે છે. આજવા પાણી માટી વાળું અને પીળું હોવાથી દુષિત પાણીની આઠ મહિનાથી ફરિયાદ ચાલી રહી છે. આમ છતાં હજુ કકળાટ ચાલુ રહ્યો છે.
માટી વાળું પાણી ચોખ્ખું કરવા માટે ફટકડીને બદલે પીએસી 10 નામનું એટલે કે પોલી એલ્યુમિનિયમ ક્લોરાઇડ કેમિકલ વાપરવામાં આવ્યું હતું. આમ છતાં પણ પાણીમાં માટી અને પીળાશ દૂર થઈ ન હતી. આજવાનું પાણી નિમેટા ફીટર પ્લાન્ટમાં શુદ્ધ થવા માટે આવે છે. આ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરવા માટે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા આઠ મહિનામાં એક કરોડ અને 24 લાખનો ખર્ચ માત્ર આ કેમિકલ પાછળ થયો છે.
અત્યાર સુધીમાં 1550 મેટ્રિક ટન લિક્વિડ કેમિકલનો વપરાશ થઈ ચૂક્યો છે. કોર્પોરેશને કુલ 1827 મેટ્રિક ટન કેમિકલ ખરીદવા 1 કરોડ 46 લાખનો ખર્ચ અંદાજ છે. હજી 277 મેટ્રિક ટન કેમિકલની ખરીદી બાકી છે.