વલસાડ : રાજ્યમાં કોરોનાએ હાલત બગાડી છે ત્યારે બૂટલેગરો પણ ગુજરતાની બોર્ડરમાંથી દારૂ ઘૂસાડવાના નવા કિમિયા અપનાવી રહ્યા છે. પરંતુ પોલીસ બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી રહી છે. ત્યારે ગુરુવારે વલસાડ જિલ્લાના પારડી પોલીસે સરકારી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એમ્બ્યુલન્સના ચાલકને ઝડપી પાડયો છે. પોલીસે દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી અંદાજે 12 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે કોરોના કાળમાં હોસ્પિટલો દોડધામ વધી રહી છે અને એમ્બ્યુલન્સ પણ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા અને અન્ય સેવાકીય કામમાં લાગી છે. આથી પોલીસ પણ એમ્બ્યુલન્સને ક્યાંય રોકતી નથી.
જોકે તેમ છતાં આવા કપરા કાળમાં પણ દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સનો ચાલક એમ્બ્યુલસ દર્દીઓની હેરાફેરી માટે નહીં પરંતુ દારૂની હેરાફેરી માટે વાપરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસને મળેલી બાતમીના આધારે પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એન ગોહિલ અને તેમની ટીમ વલસાડ જિલ્લાના ઉદવાડા નજીક પેટ્રોલિંગમાં હતી એ વખતે જ ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકી હતી. એમ્બ્યુલન્સ પર દમણના સાંસદ લાલુભાઇ પટેલ ની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હોય તેવું લખાણ લખ્યું હતું અને એમ્બ્યુલન્સ પર ભારત સરકારનો પણ લોગો લાગેલો છે.
આમ દમણની સરકારી હોસ્પિટલની કહેવાતી આ એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો અંદાજે 12 હજારથી વધુની કિંમતનો જથ્થો ઝડપી પોલીસે એમ્બ્યુલન્સના ચાલક નિખિલ પટેલ ની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. તો વધુમાં આ મામલામાં ફરાર આરોપી એવા કિકરલાના વિશાલ પટેલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાંથી મોટાપાયે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
જોકે પોલીસની નજરથી બચવા બુટલેગરો હવે નવી તરકીબોમાં કોરોનાના કપરા કાળમાં વિદેશી દારૂની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાની પારડી પોલીસે હવે આ એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલની છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.જોકે અત્યારે તો એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મહત્વપૂર્ણ છે કે દારૂના ગેરકાયદેસર ધંધામાં મોટી કમાણીને કારણે અત્યાર સુધી દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા કેટલાક સરકારી કર્મચારીઓ ,ખુદ પોલીસ કર્મીઓ પણ ઝડપાઇ ચૂકયા છે ત્યારે હવે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ માંથી પણ દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવતાં મામલાને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લાની પારડી પોલીસે ઊંડાણપૂર્વક તપાસહાથ ધરી છે.