વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસે એક ખૂંખાર ગૌતસ્કર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ ગેંગ એટલી ખૂંખાર છે કે તેને પકડવા માટે થોડા સમય પહેલા કપરાડા પોલીસ પહોંચી હતી જોકે, ત્યારે ગેંગના સાગરીતોએ કાર ચડાવીને જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, હવે ડુંગરા પોલીસે ગેંગના કુલ પાંચ સભ્યોને પકડ્યા છે. અને આગળની કાર્યવાહી હાથધરી છે. માનવામાં આવે છે કે પોલીસને હંફાવનારી આ ગેંગે ઉત્તર પ્રદેશની છે.
ઘટના અંગે વાત કરીએ તો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ગઈ 23મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પોલીસની ટીમ પર ગૌસ્કરોએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. ગૌવંશની ઉઠાંતરી કરીને ફરાર થઈ રહેલા ગૌતસ્કરોની પીછો કરી રહેલી કપરાડા પોલીસ પર તસ્કરોએ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. છતાં તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી મોડી રાત્રે ગૌવંશની તસ્કરી કરી, સમગ્ર જિલ્લાની પોલીસની ઊંઘ હરામ કરનારી તસ્કર ટોળકીને આખરે પોલીસને પકડી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી તીક્ષ્ણ હથિયારો પણ કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસ પર જીવલેણ હુમલો કરવાના અને ગૌતસ્કરીના ગંભીર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
23મી ફેબ્રુઆરીના રોજ કપરાડા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય રસ્તાઓ પર તસ્કરો અને પોલીસ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તસ્કરોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કપરાડા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓને ઇજા થઇ હતી. બીજી તરફ પોલીસની જીપને ટક્કર મારવાનો પ્રયાસ કરતા અને પથ્થરમારાથી બચવા કપરાડા પોલીસ સ્ટેશનના PSI ભાદરકા અને અન્ય PSIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
હવે આ ખૂંખાર ગૌતસ્કર ટોળકીને ઝડપવામાં વાપીની ડુંગરા પોલીસને સફળતા મળી છે. પોલીસે વાપીના કરવડ નજીકથી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વાપીમાં રહેતા પાંચ આરોપીની ગાડી સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એઝાઝ અલી ઉર્ફે છોટુ મહમદ ઇસ્માઇલ, મહંમદ સગીર ઉર્ફે ઠનનું ફિટકરી પઠાણ, પરવેજ ઉર્ફે શાહિદ હુસેન અન્સારી પઠાન, શાહબાજ શેર અલી પઠાણ અને મૂળ મહારાષ્ટ્રના વની વિસ્તારના નાનાજી શિવાજી સાદુલની ધરપકડ કરી છે. જ્યારે મોકાનો લાભ લઇને ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
આરોપીઓ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રે ગૌવંશને બેહોશ કરી બાદમાં ક્રૂરતાપૂર્વક વાહનોમાં ભરીને મહારાષ્ટ્રની હદમાં આવેલા મહારાષ્ટ્રના વની વિસ્તારમાં રહેતા આરોપી નાનાજી શિવાજી નામના વ્યક્તિને વેચી દેતા હતા. પોલીસ ટીમ સાથેની ધમાસણમાં આરોપીઓના વાહનને નુકસાન થયું હતું. જેને તેઓએ મહારાષ્ટ્ર ગેરેજમાં રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાહન રિપેર ન થતાં તેઓ વાપીના ગેરેજમાં વાહન રિપેરિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને પકડી લીધા હતા.