બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. IMD અનુસાર, મંગળવારે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ અને સોમવારે 6.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. વિભાગે જણાવ્યું હતું કે બુધવારે સવારે 8:30 વાગ્યે શહેરમાં સાપેક્ષ ભેજનું સ્તર 100 ટકા હતું. વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાન ફરી ઘટી શકે છે.
તે જ સમયે, ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી-NCRમાં સવારથી ધુમ્મસ પડવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે રોડ પર વિઝિબિલિટી ઘટી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 13 થી 16 ડિસેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે. અરુણાચલના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે.
આ સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથ ધામમાં તાપમાન મહત્તમ 3 ડિગ્રી અને લઘુત્તમ માઈનસ 4 ડિગ્રીએ પહોંચ્યું હતું.