તા. ૪: અમેરિકાના પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી એકદમ રસાકસીભરી બની રહેવાની છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પના પ્રચારકોએ જાહેરાત કરી છે કે ચુંટણીની રાતે ડોનલ્ડ ટ્રમ્પ તેમના દોસ્તો તથા ટેકેદારો માટે ન્યુ યોર્કના મેનહટનની એક પોશ હોટેલમાં વિક્ટરી પાર્ટી યોજશે. આઠ નવેમ્બરે યોજાનારી આ ચુંટણીમાં પોતાના વિજયની ખાતરીનો સંકેત ડોનલ્ડ ટ્રમ્પ આ રીતે આપી રહ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પનાં પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટન પણ ચૂંટણીની રાતે ન્યુ યોર્કમાં પાર્ટી યોજવાનાં છે. જો કે તેમના પ્રચારકોએ આ ઘટનાને વિક્ટરી પાર્ટી નથી ગણાવી.
ચૂંટણી આડે માત્ર પાંચ દિવસ રહ્યા છે. ત્યારે ન્યુ યોર્ક ટાઇમ્સ-સીબીએસ ન્યુઝના તાજા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પની સરખામણીએ હિલેરી ક્લિન્ટન થોડાં આગળ છે. ૪૫ ટકા મતદારો હિલેરી ક્લિન્ટનની તરફેણમાં જ્યારે ૪૨ ટકા મતદારો ડોનલ્ડ ટ્રમ્પની તરફેણમાં મતદાન કરશે એવી શક્યતા હોવાનું સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું.
સર્વેક્ષણર્ક્તાઓના જણાવ્યા અનુસાર મોટા ભાગના મતદારોએ નિર્ણય કરી લીધો છે અને બન્ને ઉમેદવારો વિશે તાજેતરમાં થયેલા ઘટસ્ફોટ પછી પણ તેમના વલણમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી.
૨.૨ કરોડથી વધુ અમેરિકાનો તેમનો મત આપી ચૂક્યા છે અને આ સર્વેક્ષણમાં ભાગ લેનારી દરેક પાંચમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમણે મત આપી દીધો છે.