અાંદામાનઃ કેન્દ્ર શાસિત રાજ્ય આંદામાન નિકોબારમાં ગઈ કાલે મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે લગભગ ત્રણ વાગે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા ૪.૬ રહી હતી. જોકે આ ભૂકંપથી કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. જોકે બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં ફરી ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ભૂકંપથી ન્યૂઝીલેન્ડમાં હાલ વીજળી અને ટેલિફોન સેવા ખોરવાઈ જતાં અનેક લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ગુજરાતના કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની રિકટર સ્કેલ પર ૫.૬ ની તીવ્રતા માપવામાં આવી હતી. જોકે આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. જ્યારે ન્યૂઝીલેન્ડમાં પણ ગઈ કાલે રાતે દક્ષિણ દ્વીપમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અને તેના બે કલાક બાદ સુનામી આવી હતી. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યુ છે કે કાઈસ્ટ ચર્સથી લગભગ ૯૫ કિલોમીટર દૂર મધરાત બાદ આ ભૂકંપ આવ્યો હતો. તેથી અધિકારીઓએ લોકોને ઉંચાઈવાળી જગ્યાએ ચાલ્યા જવા જણાવ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડના દક્ષિણ વિસ્તારમાં આવેલા દ્વીપ પર આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૬.૨ ની રહી હતી.
ન્યૂઝીલેન્ડમાં સ્થાનિક સમય અનુસાર ૧-૪૫ કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનંું કેન્દ્ર બિન્દુ ક્રાઈસ્ટચર્સથી ૧૨૦ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ વિસ્તારમાં હોવાનું જણાયું હતું. અને તેની ઉંડાઈ કેન્દ્રથી ૧૦ કિમી નીચે હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ન્યૂઝીલેન્ડમાં આવેલા ભૂકંપના કારણે બે લોકોનાં મોત થયાં છે. અને અનેક લોકોને ઈજા થઈ છે. તેથી મૃત્યુ આંકમાં હજુ વધારો થઈ શકે તેમ છે.
લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
ન્યૂઝીલેન્ડ સરકારની જિઓનેટ વેબસાઈટે જણાવ્યું કે ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેની સમગ્ર દેશમાં અસર થઈ હતી. સમગ્ર દેશવાસીઓને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકા મોડે સુધી અનુભવાયા હતા. લોકો ઊંઘતા હતા ત્યારે ભૂકંપનો અનુભવ થયો હતો. જોકે ભૂકંપથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં પણ ન્યૂઝીલેન્ડના પૂર્વ વિસ્તારમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અને તે વખતે પણ સુનામી આવી હતી. જોકે તે વખતે ખાસ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને પેસિફિક ટેક્ટોનિક પ્લેટ વચ્ચે આવેલું છે. આ વિસ્તારને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. જ્યા વર્ષ દરમિયાન ભૂકંપના ૧૫૦૦૦ જેટલા આંચકા અનુભવાય છે.