ન્યૂયોર્ક- ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા’. દેશના લોકપ્રિય અભિનેતા અનુપમ ખેરે સ્વીચ દબાવી આ રોશની દર્શન શરુ કરાવ્યાં હતાં.
ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્રમાં યોગ ઝળહળી ઉઠ્યો’. અહીં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની ઈમારતના એક ભાગને યોગ ડે માટે રોશનીથી વિશેષ પ્રકારે શણગારવામાં આવ્યો છે.
અનુપમ ખેરે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા માટે એ ગર્વની વાત છે કે, મને સંયુક્ત રાષ્ટ્રની ઈમારતને પ્રકાશિત કરવાનું સમ્માન પ્રાપ્ત થયું. ન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી કરી રહ્યું છે. સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે UN મુખ્યાલયને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
વિશ્વના અનેક દેશોમાં યોગ ડેની તૈયારીઓ
ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચીનમાં પણ યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. NSGમાં ભારતના સભ્યપદનો વિરોધ કરનારા ચીને વિશ્વ યોગ દિવસ મામલે ભારતને સમર્થન આપ્યું છે. જેથી ચીનમાં પણ આ વખતના ત્રીજા વિશ્વ યોગ દિનની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બિજીંગની આઇકોનિક ગ્રેટ વોલ, તેમજ અનેક પાર્ક અને ગાર્ડનમાં પણ યોગ ડેની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.
આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચે સંયુક્ત રીતે યોગ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. જે પણ આ યોગ દિનની ઉજવણીમાં ભાગ લેશે. વિશ્વભરમાં સ્થિત ભારતીય દુતાવાસોને પણ યોગ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે. આમ હાલ ભારત ચીન, અમેરિકા સહીતના વિશ્વના દેશોમાં યોગ દિનની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.