લૉકડાઉન દરમિયાન પોતાના દાદીને મળવા માટેે ઈટાલીયન બાળકે 2800 કિલોમીટરનું વોકિંગ કર્યું હતું. દસ વર્ષના આ બાળક રોમિયો કોક્સે જોકે એકલા નહીં પણ પોતાના પિતા સાથે સફર કરી હતી. ઈટાલીના કાંઠે આવેલા સિસિલી ટાપુ પરના પાલ્મેરોથી તેમણે 20મી જૂને ચાલવાની શરૂઆત કરી હતી. ત્રણ મહિના પછી તેઓ ચાલીને 21મી સપ્ટેમ્બરે લંડન પહોંચ્યા હતા.પિતા-પુત્રએ સફર દરમિયાન ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ એમ ચાર દેશમાં સફર કરી હતી. લૉકડાઉનને કારણે ત્યારે વાહનો મળવા મુશ્કેલ હતા. વિમાની વ્યવહાર બંધ હતો. બીજી તરફ રોમિયો પોતાના દાદીને મળવા માગંતો જ હતો. રોમિયોએ ચાલીને જવા માટે અનેક વાર માતા-પિતાને પૂછ્યું અને દર વખતે તેમણે ના પાડી હતી. પરંતુ રોમિયોની મક્કમતા જોયા પછી તેના પિતા તેની સાથે સફર કરવા તૈયાર થયા હતા. આ સફરમાં તેમને જંગલી પ્રાણીઓ, મધમાખી, રખડતાં કૂતરા વગેરેનો સામનો કરવાનો આવ્યો હતો.પોતાના પ્રવાસની વિગત રોમિયો ઇન્સ્ટાગ્રામ પર મુકતો રહેતો હતો. તેના કારણે ઘણા લોકો તેને મદદ કરવા આવતા હતા. એ મદદ દ્વારા રોમિયોએ 12 હજાર પાઉન્ડ (અંદાજે 11.4 લાખ) એકઠા કર્યા, જેનો ઉપયોગ એ નિરાશ્રીત બાળકોના અભ્યાસ માટે કરશે.
Sunday, May 19