અમેરિકાના શિકાગો શહેરમાં હાઇલેન્ડ પાર્ક પાસે સોમવારે સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે બિલ્ડિંગની છત પરથી ફાયરિંગ કર્યું હતું.
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે 22 વર્ષીય રોબર્ટ ઈ ક્રેમો IIIની અટકાયત કરી છે. શરૂઆતમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે હુમલાખોર એક સફેદ વ્યક્તિ હતો, જેણે સફેદ અને વાદળી ટી-શર્ટ પહેરી હતી.
લેક કાઉન્ટી મેજર ક્રાઈમ ટાસ્ક ફોર્સના પ્રવક્તા ક્રિસ્ટોફર કોવેલીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હુમલાખોરે ધાબા પરથી પરેડમાં ભાગ લેનારાઓ પર રાઈફલ ચલાવી હતી અને રાઈફલ પરત મેળવી લેવામાં આવી હતી. જોકે, તેણે કઇ બિલ્ડીંગની છત પરથી ફાયરિંગ કર્યું તે જાણી શકાયું નથી. કોવેલીએ કહ્યું કે પોલીસ માને છે કે માત્ર એક શૂટરે હુમલો કર્યો હતો.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેઓએ લોહીથી લથપથ મૃતદેહોને ધાબળાથી ઢાંકેલા અને સેંકડો લોકો તેમના જીવ માટે દોડતા જોયા હતા. ધ સન-ટાઈમ્સે અહેવાલ આપ્યો કે પરેડ સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, પરંતુ 10 મિનિટના ગોળીબાર પછી તેને રદ કરવામાં આવી હતી. સન ટાઈમ્સના સંવાદદાતાએ કહ્યું કે તેણે લોહીથી લથપથ કેટલાક મૃતદેહોને ધાબળાથી ઢાંકેલા જોયા છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ અખબારને જણાવ્યું કે તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.