કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વ પર પોતાની અસર છોડી છે. જોકે જેપનીઝ સોસાયટીના સામાજિક મેળાવડા અને ઇવેન્ટ્સ પર એની વધુ અસર થઈ છે. જેપનીઝ શહેર સુરૂતા અવનવી વાર્ષિક સ્પર્ધાઓ યોજવા માટે પ્રખ્યાત છે. અહીંની એક ખૂબ લોકપ્રિય રમત છે ‘ટગ ઓફ વોર,’ જે ટાલિયાઓ વચ્ચેની રમત છે અને એ રમાય છે જપાનના ઓમોરી પ્રિફેક્ચરના સુરૂતા પ્રાંતમાં. સુરુતા હેગેમાસુ અસોસિએશન દ્વારા ટાલિયા લોકો માટે સકારાત્મક વિચારસરણીના ભાગરૂપે ૧૯૮૯માં આ મનોરંજક રમત શરૂ કરવામાં આવી હતી.
આ રમતમાં બે ટાલિયાઓ પોતાના માથામાં સક્શન કપ લગાવીને સામસામા છેડે ખેંચે છે, જે તરફનો સક્શન કપ ખેંચાઈને સામેની તરફ જતો રહે તે સ્પર્ધક હારી જાય છે. ટાલ પડવાને કારણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા તથા ડિપ્રેશનમાં સરી પડતા પુરૂષોને હેગેમાસુ જણાવવા માગે છે કે સકારાત્મક અભિગમથી વિશ્વમાં રોશની ફેલાવી શકાય છે.
સુરૂતા હેગેમાસુ અસોસિએશનની સ્થાપનાથી જ વાર્ષિક ધોરણે સક્શન ટગ ઓફ વોર ટુર્નામેન્ટ યોજાય છે. એક તબક્કે આ ઇવેન્ટનું નામ બદલીને નેશનલ સકર ટગ ઓફ વોર ટુર્નામેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જપાનના લોકો ભાગ લેતા હતા. કોરોનાની મહામારીને પગલે પડેલા ત્રણ વર્ષના વિરામ બાદ આ વર્ષે આ સ્પર્ધા ફરી યોજાઈ હતી.