વિશ્વભરમાં કોરોનાવાયરના લીધે અત્યારસુધી 1 કરોડ 11 લાખ 9 હજાર 770 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાં 62 લાખ 19 હજાર 370 દર્દી સ્વસ્થ થયા છે. 5 લાખ 26 હજાર 640 લોકોના મોત થયા છે. શુક્રવારે 1 લાખ 36 હજાર 854 નવા કેસ વધ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાં 35 હજાર 811 અને ભારતમાં 22 હજાર 721 લોકો કોરોના પોઝિટિવ થયા. દરમિયાન પેરિસ ફેશન વીકને પ્રથમવાર ઓનલાઈન આયોજીત કરવાની જાહેરાત કરાઇ છે. આયોજકોનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે આ એક નવા પ્રકારનું ફેશન વીક હશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ બધા દેશોને ફરીવાર ચેતવ્યા છે કે આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. સંક્રમણ સતત વધી રહ્યું છે. આવા સમયમાં બધાએ સાવચેત રહેવું જોઇએ. ઉઠો અને સંક્રમણને અટકાવો. ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને કોરોનાવાયરસ મામલે વધુ સતર્ક રહેવા માટે કહ્યું છે. પાર્ટીની બેઠકમાં કિમ જોંગે ચેતવણી આપી કે જો વાયરસ સામે લડવામાં થોડી પણ બેદરકારી થશે તો ગંભીર સંકટ ઉત્પન્ન થઇ જશે. ત્રણ મહિનામાં બીજી વખત કિમ જોંગે કોરોના અંગે ચેતવણી આપી છે.