યુક્રેન અને રશિયામાંથી રોકાણકારોએ પરિસ્થિતિ વધુ ગંભીર થવાની ભીતિ સાથે ક્રિપ્ટોમાં મોટાપાયે વેચવાલી દર્શાવી છે. પરિણામે એક દિવસમાં ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સના 180 અબજ ડોલર ધોવાયા છે. જેમાં ભારતીય ઈન્વેસ્ટર્સની મૂડીમાં 3 ટકાનો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. વિશ્વમાં સૌથી વધુ 10 કરોડ ક્રિપ્ટો હોલ્ડર્સ ભારતમાંથી છે. ડેઈલી 4 કરોડથી વધુ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ 8 કરોડ ડોલરથી વધુનું ટ્રેડિંગ કરી રહ્યા છે.
કોઈનમાર્કેટકેપ અનુસાર, 17788 ક્રિપ્ટો કરન્સીની કુલ માર્કેટ કેપ બુધવારે 1.76 લાખ કરોડ ડોલર (રૂ. 133.27 લાખ કરોડ)થી 18 હજાર કરોડ ડોલર (રૂ. 14.41 લાખ કરોડ) ઘટી 1.56 લાખ કરોડ ડોલર થઈ છે. બિટકોઈન 9.47 ટકા ઘટી 34997 ડોલર જ્યારે ઈથેરિયમ 12.50 ટકા ઘટી 2358 ડોલર પર ટ્રેડેડ છે. બિટકોઈનમાંથી રોકાણકારોએ સૌથી વધુ 62 અબજ ડોલરની વેચવાલી છે. ઈથેરિયમમાં 43 અબજ ડોલરનું નુકસાન થયું છે.
યુક્રેન અને રશિયામાંથી રોકાણ પાછું ખેંચાયું| વસ્તીની દ્રષ્ટિએ યુક્રેનની 12.73 ટકા વસ્તી જ્યારે રશિયાની 11.91 ટકા વસ્તી ક્રિપ્ટોમાં રોકાણ ધરાવે છે. યુદ્ધના ભણકારા વચ્ચે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ભીતિ સાથે યુક્રેન અને રશિયાના ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સે ક્રિપ્ટોમાંથી રોકાણ પાછું ખેંચ્યુ છે.