નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં ફરી એકવાર વધારો થયો છે અને તે વિશ્વના 5માં સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે. ફોર્બ્સની રીઅલ-ટાઇમ નેટવર્થ અનુસાર, મુકેશ અંબાણી 75 અબજ ડોલર (આશરે 5.57 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને છે.
સંપત્તિની વાત કરીએ તો મુકેશ અંબાણી હવે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ (89 અબજ ડોલર) ની નજીક આવી ગયા છે. જો કે, હજી પણ બંનેની સંપત્તિમાં નોંધપાત્ર તફાવત છે. ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સ અબજોપતિઓની સંપત્તિનું મૂલ્યાંકન કરે છે. વિશ્વભરમાં શેરબજારના વધઘટને કારણે ફોર્બ્સ ડેટા બદલાતા રહે છે.
મુકેશ અંબાણીથી આગળ કોણ ?
આ ક્ષણે, એમેઝોનના જેફ બેઝોસ 185.8 અબજ ડોલર સાથે ફોર્બ્સની સૂચિમાં પ્રથમ સ્થાને છે. બીલ ગેટ્સ (113.1 અબજ ડોલર), એલવીએમએચના બર્નાર્ડ આર્નોલ્ડ અને ફેમિલી (112 અબજ ડોલર), ફેસબુકના માર્ક ઝુકરબર્ગ (89 અબજ ડોલર) અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. તે જ સમયે, મુકેશ અંબાણી પાંચમા સ્થાને અને બર્કશાયર હેથવેના વોરેન બફે 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે.