કોરોના વાયરસ હાલ લંડનમાં હાહાકાર મચાવી રહ્યો છે કે જેની અસર ત્યાં રહેતા ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતના આણંદ જિલ્લાનો તસ્મય ઓઝા નામનો 21 વર્ષીય યુવક બાળપણથી જ લંડન ભણવા જવા માગતો હતો, હવે જ્યારે લંડનમાં ભણવાની તક મળી ત્યારે લોકડાઉનના કારણે આ યુવક પાસે પૈસા નથી અને તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
તસ્મયે જણાવ્યું કે મેં ખૂબ મોટી સ્ટુડન્ટ લૉન લીધી હતી અને હવે લોકડાઉનના કારણે મેં મારી નોકરી ગુમાવી છે. મેં લંડનમાં ભણવા માટે રૂપિયા 22,500 પાઉન્ડ (ભારતીય રાશિ મુજબ આશરે 21 લાખ રૂપિયા)ની લૉન લીધી છે. પ્રતીકાત્મક તસવીર લંડનની કિંગ્સ કૉલેજમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા તસ્મય ઓઝાએ જણાવ્યું કે લૉકડાઉનની જાહેરાત થતા મેં મારી નોકરી ગુમાવી છે અને મારા માતા-પિતા પણ મને વધુ પૈસા મોકલી આપે તેવી સ્થિતિ નથી.
હવે હું ભારત પાછો જઈ શકુ તેવી સ્થિતિ નથી અને અહીં લંડનમાં રહેવાનું આર્થિક રીતે પરવડે તેમ નથી. હાલ લંડનથી ભારત પરત ફરવાની જે ફ્લાઈટ છે તેની ટિકિટની કિંમત 539 પાઉન્ડ (ભારતીય રાશિ મુજબ 50 હજાર રૂપિયા) છે અને ક્વોરન્ટાઈન માટે વધુ રૂપિયા 30,000નો ખર્ચો થાય તેમ છે. બ્રિટનમાં હાલ 8,000 વિદ્યાર્થીઓ અસહાય છે. તેઓ ખૂબ ચિંતાતુર છે. સરકાર વધુ ફ્લાઈટ મોકલશે કે નહીં તે પણ નક્કી નથી. અમારા સંગઠનના વોલન્ટિયર્સ આ વિદ્યાર્થીઓને જમવાની અને રહેવાની વ્યવસ્થા માટે મદદ કરી રહ્યા છે.