Israel Attack Iran: ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે આ પગલું ભર્યું છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે તેમનો દેશ નક્કી કરશે કે શું કરવું.
ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરીને ઈરાન પર મોટો હુમલો કર્યો છે. આ દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં સહયોગી દેશોની સંયમ રાખવાની અપીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે તેમનો દેશ નક્કી કરશે. હવે ઈરાન પર હુમલો કરીને ઈઝરાયેલે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તે ચૂપ નહીં રહે. નેતન્યાહુએ કહ્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું, અમે અમારા નિર્ણયો જાતે લઈશું.” ઇઝરાયેલ પોતાના બચાવ માટે જે પણ જરૂરી હશે તે કરશે.
ન્યુક્લિયર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ઈઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલ તરફથી હુમલાના અહેવાલ સામે આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હોવાના અહેવાલ છે. ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. ઈરાનની ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ અનુસાર, ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
ઈરાન જવાબ આપશે
ઈરાનનો નતાન્ઝ ન્યુક્લિયર પ્લાન્ટ ઈસ્ફહાનમાં આવેલો છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ઈઝરાયેલના આ સંભવિત હુમલાને લઈને પહેલાથી જ એલર્ટ પર હતી. IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે તેઓ ઈરાનના પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાને લઈને ચિંતિત છે. ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ વળતો હુમલો કરશે તો ઈરાન જડબાતોડ જવાબ આપશે. હવે ઈઝરાયેલે હુમલો કર્યો છે.
મિસાઇલ સંરક્ષણ પ્રણાલી સક્રિય
ઈઝરાયેલ હુમલાના મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ તેહરાને મિસાઈલ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી છે. 14 એપ્રિલના હુમલા બાદ ઈઝરાયેલે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી છે. બંને દેશો વચ્ચે 1 એપ્રિલથી તણાવ શરૂ થયો હતો. ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ પછી 14 એપ્રિલે ઈરાને ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી હતી.