Pakistan પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને વધુ એક આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમના વકીલની પોલીસે કોર્ટની બહારથી ધરપકડ કરી લીધી. વકીલની ધરપકડ થતાં જ ઇમરાનના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. જણાવી દઈએ કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વકીલ અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના એક નેતાની ગુરુવારે લાહોર હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાનના વકીલ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વકીલોની હડતાળમાં ભાગ લઈ રહ્યા હતા જે લશ્કરી અદાલતોને 9 મેની હિંસામાં કથિત રીતે સામેલ નાગરિકો પર કેસ ચલાવવાની મંજૂરી આપે છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસ અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને વકીલ શેર અફઝલ મારવતની પબ્લિક ઓર્ડર ઓર્ડિનન્સ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સાદા વસ્ત્રોના કર્મચારીઓ સાથે એક મોટી પોલીસ ટીમ મારવત પર ધસી આવી, તેને રસ્તા પરથી ખેંચીને નજીકની પોલીસ વાનમાં બેસાડી. પોલીસે કહ્યું, “મારવત ખૈબર પખ્તુનખ્વા (KPK) પ્રાંતમાં પણ એક કેસમાં વોન્ટેડ છે અને તેને ત્યાંની પોલીસની કસ્ટડીમાં આપવામાં આવી શકે છે.”
હાઈકોર્ટે પાકિસ્તાનીઓ પર મિલિટરી કોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરી આપી છે
હાઈકોર્ટે 9 મેના રોજ ઈમરાનની ધરપકડના દિવસે સૈન્યની સંસ્થાઓ અને સરકારી ઈમારતોમાં તોડફોડ અને આગચંપી કરવાના આરોપીઓ સામે લશ્કરી અદાલતમાં કાર્યવાહી કરવાની પરવાનગી આપી છે. જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના આ નિર્ણય સામે વકીલો હડતાળ પર ઉતર્યા હતા. તેમાં ઈમરાન ખાનના વકીલ શેર અફઝલ પણ સામેલ હતા. પોલીસે તેની ધરપકડ કરી હતી.