કોરોના વાઈરસના વધતા જતા જોખમને લઈને દુનિયાભરમાં ચીન પ્રત્યે લોકોની વિરોધાભાસની ભાવનાઓ વધી રહી છે. ઘણા દેશે ચીનના પ્રવાસીઓ પર રોક મૂકી દીધી છે, તો બીજી તરફ દક્ષિણ કોરિયા, જાપાન, હોંગકોંગ અને વિયેતનામની ઘણી રેસ્ટોરાંએ ચીનના ગ્રાહકોથી અંતર બનાવી લીધું છે. રેસ્ટોરાંએ ચીનના ગ્રાહકો માટે ‘નો એન્ટ્રી બોર્ડ’ મારી દીધું છે. ઈન્ડોનેશિયામાં રવિવારે સ્થાનિકોએ રેલી કાઢીને ચીનના પ્રવાસીઓને દેશ છોડવા કહ્યું હતું. કોરોના વાઈરસને લીધે ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને એશિયા સહિત અનેક દેશના ચીનના પૃયટકોને અપમાન સહન કરવું પડ્યું છે. ચીનમાં કોરોના વાઈરસને અત્યાર સુધી 361ના મોત થઈ ચૂક્યા છે અને 14 હજારથી વધારે લોકો તેની જપેટમાં આવી ગયા છે.દક્ષિણ કોરિયન વેબસાઈટ પર ચીનના લોકોને દેશની બહાર ધકેલી મૂકવાની માગ થઈ રહી છે. સિયોલમાં એક ફૂડ રેસ્ટોરાંએ બોર્ડ લગાવી દીધું છે કે, અહીં ચીનના નાગરિકોને પ્રવેશ આપવામાં નહીં આવે. અમે દિલગીર છીએ. અમેરિકામાં એરિઝોના સ્ટેટ યુનિવર્સીટીમાં એક ચીની-અમેરિકન નાગરિક એરી ડેન્ગને લઈને કોઈકે અફવા ફેલાવી હતી કે તે કોરોના વાઈરસની શિકાર બની છે. તે કેમ્પસમાં બેઠી હતી તેને તાત્કાલિક ઘરે જવું પડ્યું હતું. હોંગકોંગમાં જાપાનના એક રેસ્ટોરાંએ ચીનના ગ્રાહકને જમવાનું આપવાની ના પાડી દીધી હતી. તો બીજી તરફ ફ્રાન્સમાં પણ સ્થાનિકો ચીની લોકોને જોઈને પોતાનો રસ્તો બદલી રહ્યા છે.
Thursday, May 9