વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત 40 વર્ષ જૂના DNA થી પ્રજેવાલ્સકી પ્રજાતિનો ઘોડો તૈયાર કર્યો છે. તેનું નામ કર્ટ રાખવામાં આવ્યું છે. આ જંગલી ઘોડાની છેલ્લી પ્રજાતિ છે. કર્ટનો જન્મ સરોગસી ટેક્નિકની મદદથી 6 ઓગસ્ટે ટેક્સાસના ટિમ્બર ક્રિક વેટરનરીમાં થયો છે. પ્રજેવાલ્સકી વિલુપ્તિના આરે રહેલી પ્રજાતિ છે. કર્ટના પૂર્વજ કૂપરોવૉઈસનું DNA સેમ્પલ વર્ષ 1980માં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કર્ટ તેની પ્રજાતિના વિકાસમાં મદદ કરશે અને તેની જિનેટિક ડાયવર્સિટીને વેગ મળશે. આશરે 40 વર્ષ પહેલાં આ પ્રજાતિના ઘોડા પ્રાણીસંગ્રહાલય અને વાઈલ્ડ લાઈફ પાર્કમાં જોવા મળતા હતા. દુનિયાભરમાં આ પ્રજાતિના 2 હજારથી પણ ઓછા ઘોડા છે. આ પ્રજાતિના ઘોડાને જંગલોમાં છેલ્લે વર્ષ 1969માં જોવાયા હતા. રિવાઈલ એન્ડ રિસ્ટોર સંસ્થાના ડાયરેક્ટર રેયાન ફેલાન જણાવે છે કે, જે એડવાન્સ રિપ્રોડક્ટિવ ટેક્નિક ક્લોનિંગથી કર્ટનો જન્મ થયો છે તેની મદદથી વિલુપ્તિના આરે રહેલી પ્રજાતિઓને બચાવી શકાય છે. તેમના સૌથી નજીકના પૂર્વજની મદદથી પ્રજાતિ વિકસાવી શકાય છે.