નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ચીનથી ફેલાયો છે. હવે તે જ ચીન કોરોનાના કેસ દર્શાવતા લીસ્ટમાં સાતમા ક્રમે છે. જયારે અમેરિકામાં તેનાથી 9 ગણા અને યુરોપના 4 દેશોમાં તેનાથી 2 ગણા કોરોનાના કેસ સામે આવ્યા છે. તેના કારણે જ ચીન પર દુનિયાની શંકા અને દબાણ વધવા લાગ્યું છે કે, તે જણાવે કે આખરે તેણે એવું શું કર્યું કે જેનાથી તે કોરોનાના કહેરથી આટલો જલ્દી બહાર આવી ગયો અને આ જ દબાણ વચ્ચે ચીને મોતના આંકડાનું નવું લિસ્ટ જાહેર કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ જેમ – જેમ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે, તેમ તેમ દુનિયાનો ગુસ્સો પણ ચીન માટે વધતો જઈ રહ્યો છે. હવે એક એક કરીને દુનિયા આ મહામારી માટે ચીન પર આક્ષેપો લગાવી રહી છે. પ્રશ્ન યોગ્ય પણ છે કે, જે કોરોના સામે દુનિયાના તમામ દેશો ઝઝૂમી રહ્યા છે, તે કોરોનાથી ચીન આટલું બેદરકાર કેમ છે ? દુનિયાની તુલનાએ ચીનમાં એટલા ઓછા કેસના બે જ કારણો હોઈ શકે છે કાંતો તેણે તેના ત્યાં આવેલા કોરોનાના દર્દી પર એવી દવાનો ઉપયોગ કર્યો, જે બાકીના દેશો પાસે નથી અથવા તો તેને ત્યાં કોરોનાને કારણે થયેલા મોતના આંકડા છુપાવી રહ્યું છે. પરંતુ જે રીતે આ વાતને લઈને ચીન પર દુનિયાનું દબાણ વધવા લાગ્યું તે જ સમયે વુહાનથી અચાનક 1290 લોકના મોતની માહિતી સામે આવી, જ્યાં અત્યારસુધીમાં કોરોના સંક્ર્મણના એક – બે કેસ જ સામે આવી રહ્યા હતા. હવે ત્યાં અચાનક 1290 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.