સ્વીડનમાં, કુરાનની નકલો સળગાવવાની કટ્ટર જમણેરી સંગઠનની યોજનાના વિરોધમાં અનેક સ્થળોએ હિંસક અથડામણો ફાટી નીકળી છે, જેમાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, પોલીસે સોમવારે કહ્યું કે સ્વીડનમાં ફાટી નીકળેલી હિંસામાં 26 પોલીસકર્મીઓ અને 14 નાગરિકો ઘાયલ થયા છે, જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ 20 થી વધુ વાહનોને આગ ચાંપી દીધી છે. સ્વીડનના ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી છે.
હિંસામાં 200 લોકો સામેલ, 40 લોકોની ધરપકડ
પોલીસનું કહેવું છે કે હિંસાની ઘટનાઓમાં 200થી વધુ લોકો સામેલ છે અને 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ હિંસા અપરાધી ગેંગના નેટવર્ક દ્વારા આયોજિત કરવામાં આવી છે. પોલીસ અને સ્વીડિશ સુરક્ષા દળો હિંસામાં સામેલ કેટલાક લોકોને પહેલાથી જ જાણતા હતા.
બીબીસીના જણાવ્યા અનુસાર, સ્વીડનમાં શુક્રવારે રેબ્રો અને રિંકેબી શહેરમાં, શનિવારે માલમોમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે રવિવારે નોર્કોપિંગમાં હિંસા ફાટી નીકળી હતી. સ્વીડનના રાષ્ટ્રીય પોલીસ વડા એન્ડર્સ થોર્નબર્ગે કહ્યું કે તેમણે નોર્કોપિંગ જેવી હિંસા ક્યારેય જોઈ નથી. પોલીસે હિંસક ટોળાને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
રેલી દરમિયાન નેતાએ કુરાનની નકલો બાળી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્વીડનના નેતા રાસ્મસ પાલ્ડેને થોડા દિવસો પહેલા સ્વીડનના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કથિત રીતે કુરાનની નકલ સળગાવી હતી અને કહ્યું હતું કે તેઓ તેમની રેલી દરમિયાન કુરાનની વધુ નકલો બાળશે. વર્ષ 2017માં રાસ્મસે હાર્ડ લાઈન એટલે કે સ્ટોર્મ કર્સ નામની જમણેરી પાર્ટીની રચના કરી હતી. તે વ્યવસાયે વકીલ અને YouTuber છે.
કુરાન ઇસ્લામ ધર્મ માટે એક પવિત્ર પુસ્તક છે. બીબીસીના અહેવાલ મુજબ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાકે સ્વીડનમાં કુરાન સળગાવવાની નિંદા કરી છે. ઈરાન અને ઈરાકે સ્વીડનના રાજદૂત સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.