બેજીંગઃ પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન બોર્ડર ઉપર તણાવ ભર્યો માહોલ છે ત્યારે આવી સ્થિતિમાં ભારત માટે એક માંઠા સમાચાર ચીન તરફથી આવી રહ્યા છે. ચીને પોતાના સંરક્ષણ બજેટમાં ભારતની તુલનાએ એક બે નહીં પરંતુ ત્રણ ગણો વધારો કરી દીધો છે. આમ ભારત માટે આ એક ચિંતાનો વિષય ગણી શકાય. ચીને 2021માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને 209 અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે.
ચીને ગત વર્ષના સંરક્ષણ બજેટ કરતા ચાલુ વર્ષે 6.8 ટકાનો વધારો કર્યો છે. ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રથમ દિવસે ચીનના વડાપ્રધાન લિ કેકિયાંગે ચાલુ વર્ષના સંરક્ષણ બજેટની જાહેરાત કરી હતી. ચીને સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે ચીનની ભારત અને અમેરિકા સાથે તંગદિલી ચાલી રહી છે.
ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચીને સંરક્ષણ બજેટ વધારીને 209 અબજ ડોલર રાખ્યું છે. આ સાથે જ સળંગ છ વર્ષથી ચીન પોતાના સંરક્ષણ બજેટમાં સિંગલ ડિજિટ ટકાનો વધારો કરી રહ્યું છે.
જો કે અમેરિકાની સરખામણીમાં ચીનનું બજેટ હજુ પણ ઘણુ ઓછું છે. અમેરિકાએ 2021 માટે સંરક્ષણ માટે 740 અબજ ડોલરનું બજેટ ફાળવ્યું છે. જેની સામે ચીને 209 અબજ ડોલરનું બજેટ ફાળવ્યું છે. એટલે કે ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકાની સરખામણીમાં ફક્ત 28 ટકા જ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીને સંરક્ષણ બજેટ માટે 196.44 અબજ ડોલર ફાળવ્યા હતાં.
બીજી તરફ ચીને 2021માં જીડીપીનો લક્ષ્યાંક 6 ટકાથી વધારે રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરાના મહામારીની સૌથી પહેલી અસર ચીનમાં જોવા મળી હતી અને આ મહામારીમાંથી મુક્ત થવામાં પણ આ જ દેશ પ્રથમ છે.
ઉલ્લેખનીય છે કે 2020માં ચીનનો જીડીપી 2.3 ટકા રહ્યો હતો. જે છેલ્લા કેટલાક દાયકાઓનો સૌથી ઓછો છે. કેકિઆંગે ચીનની સંસદમાં જણાવ્યું હતું કે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રે 2021માં છ ટકાથી વધારે દરથી વિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આઇએમએફએ પણ 2021માં ચીનનો જીડીપી 8.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.