તાઇવાનનું કપલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તે લોકો યુવાન નથી કે મોડલિંગ સ્ટાર નથી, પણ લોન્ડ્રીના માલિક છે. જૂનાં કપડાં પહેરીને દાદા-દાદીએ દરેકનું ધ્યાન ખેચ્યું છે.ગયા મહિને 83 વર્ષીય ચેંગ વાન્ઝી અને તેમની 84 વર્ષીય પત્ની સૂ શોરના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ હતાં. આટલી ઉંમરે પણ મોડલિંગ કરતા આ કપલના ફોટોઝ લોકોને ગમી રહ્યા છે. કપલની તાઈચુંગમાં સેન્ટ્રલ સિટી પાસે એક નાનકડી લોન્ડ્રી છે.છેલ્લા ઘણા વર્ષોથી ઘણા ગ્રાહકો લોન્ડ્રીમાં કપડાં આપી જાય છે પણ પરત લઇ જવાનું ભૂલી જાય છે. ઘણાય લોકો તો શહેર છોડીને જતા રહ્યા પણ કપડાં લોન્ડ્રીમાં જ છે. દાદા-દાદીના પૌત્રનું નામ રીફ છે. 31 વર્ષીય રીફે જોયું કે છેલ્લા ઘણા સમયથી લોન્ડ્રીમાં કામ નહોતું. આ કારણે તેના દાદા-દાદી ચિંતામાં રહેતા હતા. સોશિયલ મીડિયા પર આ દાદા-દાદી છવાઈ ગયા છે. ઘણા લોકોએ કહ્યું કે, કોરોના ટાઈમમાં આ દાદા-દાદી બધા માટે એક આશાનું કિરણ છે. તેમની લોન્ડ્રીનું નામ ‘વોન શો’ છે.