અમદાવાદના 108 તળાવ ગટર બન્યા
દિલીપ પટેલ
અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2025
અમદાવાદના 8 તળાવોની તપાસ કરવામાં આવી તો ગંદા તળાવનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય કામ માટે અનુરૂપ નથી. નરોડા, ગોતા, મલેકસાબાન, આર.સી. ટેકનિકલ સહિતના 8 તળાવ ગટરના પાણીથી છલોછલ ભરાયા છે. જેમાં નર્મદા નહેરનું અને વરસાદનું પાણી ભરવાનું હતું. તે ભરાયું નથી. વાસ્તવમાં વરસાદનું પાણી માર્ગો પરથી ભરે તો તે પણ ભારે પ્રદૂષિત હોય છે. અમદાવાદમાં આવા ગંદા પાણીના 108 તળાવ છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષમાં 140 તળાવોના વિકાસ માટે રૂ. 200 કરોડ ખર્ચ કરવામાં આવે છે. તળાવોમાં નર્મદા નહેરના કે વરસાદી પાણીના બદલે ગટરનું પાણી નાખવામાં આવે છે. ચોમાસામાં વરસાદી પાણીથી તળાવ ભરવા માટે રૂ.1 હજાર કરોડનું ખર્ચ આજ સુધી થઈ ગયું છે. છતાં મોટાભાગના તળાવોમાં ગટરના ગંદા પાણી ભરવામાં આવે છે.
8 તળાવના પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સોલા FP 108 અને આર.સી. ટેકનિકલ તળાવો સૌથી વધુ પ્રદૂષિત છે. મલેકસાબાન અને સૈજપુર વિલેજ તળાવો ઓક્સિજનની ગંભીર અછતને કારણે માછલીઓ અને અન્ય જળચર માટે જીવલેણ છે. નરોડા તળાવમાં મધ્યમ મધ્યમ પ્રદૂષિત છે, પણ ઊંચું અસુરક્ષિત બનાવે છે.
પાણી અતિ પ્રદૂષિત છે. પાણીમાં દ્રવિત ઓક્સિજનનું પ્રમાણ અત્યંત ઓછું છે, જ્યારે BOD અને COD જેવા પરિમાણો ખૂબ જ ઊંચા જોવા મળ્યા છે. સૌથી વધારે પ્રદૂષિત તળાવોમાં સોલા અને આર.સી. ટેકનીકલ તળાવનો સમાવેશ થાય છે. સોલા FP- 108 તળાવમાં BOD 112 સુધી પહોંચી ગયું છે, જ્યારે COD 214 છે.
આર.સી. ટેકનીકલ તળાવમાં પણ BOD 86 અને COD 108.6 સુધી પહોંચ્યા છે. મલેકસાબાન અને સૈજપુર વિલેજ તળાવોમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું નોંધાયું છે, જે માછલીઓ સહિતના જળચર પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞોના મતે આ પ્રદૂષણના કારણે તળાવોનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે અનુરૂપ નથી. નથી.
લાંબા ગાળે આ તળાવ જીવંત જળચર માટે સંપૂર્ણપણે અયોગ્ય બની શકે છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તળાવોમાં સતત ગંદા પાણીનો પ્રવાહ રોકાશે નહીં, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ઔડા અને એએમસી દ્વારા સ્ટોર્મ વોટર લાઇનની મદદથી વરસાદી પાણીથી તળાવો ભરવાની યોજના શરૂ કરાઇ હતી. જે નિષ્ફળ રહી છે.
શહેરના 7 ઝોનમાંથી દક્ષિણ ઝોનમાં એક પણ તળાવનો વિકાસ 15 વર્ષમાં કરવામાં આવ્યો નથી.
ખર્ચ
તળાવ પર 15 વર્ષમાં 2024 સુધી ખર્ચ (કરોડોમાં)
ચારોડી 5.26
રતનપુરા (વસ્ત્ર) 8.18
દશામાતા (વસ્ત્ર) 12.00
ઓઢવ 5.04
લામ્બા 4.21
વટવા 10.00
ગોતા 5.09
સોલા 4.94
થલતેજ 4.79
શીલજ 5.25
વિવેકાનંદ 1.11
શકરી, સરખેજ 19.23
ઔકાફ 13.23
ખોટા ખર્ચ
તળાવ વિકાસની કામગીરીમાં વોક-વે, ગાર્ડન,રમતગમતના સાધનો ઉપરાંત યુટીલીટીની સુવિધા માટે ખર્ચ થાય છે. નરોડા વોર્ડમાં આવેલા કારીઆ તળાવમાં કામગીરી કરવામાં આવી નથી.
રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા જુના અને મોટા તળાવો માટેનો લેક બ્યુટીફિકેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, છારોડીમાં સરકારનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.
ડીપી કારીયા
10 પહેલાં રૂ.25 કરોડ જેટલી મોટી રકમના ખર્ચે બનેલું નરોડાનું ડીપી કારિયા તળાવ હાલ સૂમસામ છે. રોજ 200 લોકોને પ્રવેશ માટે મંજુરી છતાં 50 મુલાકાતીઓ પણ આવતાં નથી. ડ્રેનેજ લાઈનનું પાણી તળાવમાં ઠલવાય છે. મીની કાંકરિયા જેની સુંદરતા ધરાવતા નરોડાના તળાવની આસપાસ કચરાના ઢગલા છે. દબાણ કરી દેવાયા છે. પૂર્વમાં નરોડા, બાપુનગર, નિકોલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોના રહીશોને કાંકરિયા સુધી લાંબા ન થવું પડે તે માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે આ તળાવનો વિકાસ કરાયો હતો. પરંતુ ખંડેર હાલતમાં તળાવ બની ગયું હતું. પ્રવેશ માટે 5 રુપિયા ઉઘરાવાય છે. રાઈડ્સ બંધ હતી.
ચાંદખેડા સૌથી પ્રદૂષિત
તળવામા ગંદકી હોવાના કારણે મચ્છરોનું સામ્રાજય જોવા મળ્યું છે,સાથે સાથે આસપાસની સોસાયટીઓ તેમજ ફલેટોમાં ડેન્ગ્યુના અને મલેરિયાના કેસો પણ નોંધાયા છે.
ચંડોળા
ચંડોળા તળાવને ખારીકટ નહેરથી ભરવામાં આવે છે. પણ નહેર પ્રદૂષિત છે. કચરો સાફ કરવા માટેના ટેન્ડર આપવામાં આવ્યા હતા. 29 એપ્રિલ 2025થી ચંડોળાના ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને હટાવવા માટે મોટાપાયે અભિયાન શરૂ કર્યું હતું. પણ પ્રદૂષણ દૂર કરવા કંઈ થયું નથી. ચંડોળા તળાવની સફાઈ અને ડીપીઆર માટે કન્સલ્ટન્ટને રૂ. 5 કરોડ આપ્યા હતા.
છારોડી – અમિત શાહની નિષ્ફળતા
એસ જી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પર 65078 ચોરસ મીટરમાં બનેલા, છારોડી તળાવને પાણીથી ભરેલું બતાવવા નર્મદાનું 35 કરોડ લિટર પાણી ઠલવાયું હતું. રૂ. 5.26 કરોડના ખર્ચે બનેલા ગોતા નજીકના છારોડી તળાવનું લોકાર્પણ 31 મે 2023માં અહીંના સાંસદ અને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું હતું. તેના 8 મહિનામાં જ અમદાવાદનું છારોડી તળાવ થયુ સુકુ ભઠ્ઠ બની ગયું હતું. રોશની કરેલી તે નકામી ગઈ છે. 167.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. ફરતે 716 મીટરની લંબાઈનો વોક-વે સહિત વૃક્ષોથી હરિયાળો બનાવાયો પણ નકામો થઈ ગયો હતો.
1600 મીમીનો વ્યાસ ધરાવતા તળાવને ઈન્ટર લિંક કરવામાં આવ્યું છે. જેથી વરસાદનું પાણી સંગ્રહ કરી શકાશે.
અમદાવાદના અનેક તળાવને એકબીજા તળાવ સાથે ઈન્ટર લિંક કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં છારોડી ગામના તળાવને અન્ય તળાવ સાથે ઈન્ટરલિંક આવ્યું છે. જેના કારણે છારોડી ગામના તળાવમાં પણ બારેમાસ પાણી રહેશે એવી ખાતરી આપી હતી.
ઘાટલોડિયા – મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર
થલતેજ ગામના તળાવના વિકાસ માટે રૂ.4.80 કરોડ 2023માં ખર્ચવાના હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 31 મે 2023માં ભૂમિપૂજન કર્યું હતું. 19,617 ચોરસ મીટરના વોટર બોડી એરિયા સહિત કુલ 33 હજાર ચો. મીટરમાં તળાવનો વિકાસ કરાયો હતો. 480 મીટર લંબાઈ અને 3.5 મીટર પહોળાઈનો વોક-વે , એલઈડી લાઇટિંગ, 355 મીટર લંબાઈમાં આરસીસી રિટેનિંગ વોલ, દોઢ મીટર ઊંડાઈમાં ખોદીને તેમાં જળ સંગ્રહ કરાવાનો હતો. ચારેબાજુ 5,800 ચો.મીટર જમીનને હરિયાળી બનાવવાની હતી. 380 ચો.મીટરમાં ચિલ્ડ્રન પ્લે એરિયા હતો. રમતગમતનાં અતિ આધુનિક સાધનો હતા. પાર્કિંગ માટે 1340 ચો.મીટર જગ્યા હતી.
વન બનાવાયુ
બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં રુપિયા ત્રણ કરોડના ખર્ચથી નમો વન બનાવવા માટે આસોપાલવ ગાર્ડન કન્સલ્ટન્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
નોટિસ આપી
અમદાવાદ શહેરના તળાવોને દૂષિત કરનાર કારખાનાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. રહેણાંક એકમો કે બાંધકામ સ્થળનું નળ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.
પૂર્વ અમદાવાદના પાણી, હવા, જમીન પર પ્રદૂષણ, 25 લાખ લોકો પરેશાન છે.
ભેદભાવ
પશ્ચિમ વિસ્તારમાં આવેલા લગભગ તમામ તળાવો કરોડો રૂપિયાના ખર્ચે વિકસી ચૂક્યા છે.
અમદાવાદમાં ભળેવા વિસ્તારોના ગૌચર પચાવી લીધા છે. બિલ્ડિંગ ઉભી થઇ ગઇ છે. તળાવો તે પણ પુરાઈ ગયા છે. પૂર્વ વિસ્તાર માટે ઓરમાયું વર્તન છે.
રામોલ
રામોલમાં 9 તળાવમાંથી 2021 સુધી એક પણ તળાવનો વિકાસ કરવામાં આવ્યો ન હતો. ખાનવાડીમાં, સીટીએમ વિસ્તારમાં રાષ્ટ્રભારતી સ્કૂલ પાસે આવેલા તળાવો માત્ર રેકર્ડ પર હતા. તળાવો પુરાઈ ગયા છે. જે છે તે તળાવોમાં ગટરોના -ફેક્ટરીઓના ગંદા પાણી ઠલવાઇ રહ્યા છે.
નિકોલ ગામના તળાવ, લાંભામાં તળાવ, વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેન સ્ટેશન પાસે રિંગ રોડ પર તળાવ વિકસાવવામાં આવ્યું છે.
ઓઢવ ગામનું તળાવ પણ પુનઃ વિકસીત કર્યું છે.
વટવા ગામમાં પણ તળાવોનો વિકાસ કરાયો નથી. વટવામાં દેરિયા મહાલક્ષ્મી કોર્નર પાસેનું તળાવ પુરી દેવાયું છે. મેમદપુરા, બીબીપુરા, ગત્રાળ, ગેરતપુર ગામના બે તળાવનો વિકાસ કરાયો નથી.
રિંગ રોડ પર રોપડા ગામનું તળાવ વિકાસ ઝંખે છે. વટવામાં મહાદેવપુરા તળાવ, હાથીજણમાં મોતલે તળાવ, ગેબીવડની બાજુમાં આવેલું તળાવ તેમજ બડોદરાનું તળાવ વિકસાવાયું નથી.
હાથીજણ, વિંઝોલ વિકસીત કરાયા નથી.
સાબરમતી નદી પ્રદૂષિત
નદીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડીનું પ્રમાણ એક લિટર દીઠ 3 મિલીગ્રામ કરતાં વધી જાય તો એ નદીને પ્રદુષિત નદી ગણવામાં આવે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2023ના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બીજા સ્થાને છે. ગુજરાતની તે સૌથી વધારે પ્રદૂષિત નદી છે.
શુદ્ધિકરણના બહાને કરોડો રૂપિયા વાપરવા છતાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત છે. સાબરમતી નદી પ્રદૂષિત નદીઓની ટોપની શ્રેણીમાં છે.
ગાંધીનગરના રાયસણથી અમદાવાદ જિલ્લાના વૌઠા સુધી સાબરમતીના પાણીમાં 292 મિલીગ્રામ બીઓડી જોવા મળ્યું છે. ભારતની સૌથી વધુ પ્રદૂષિત નદી તામિલનાડુમાં આવેલી કોઉમ છે, જેમાં બીઓડીનું પ્રમાણે એક લિટર દીઠ 345 મિલીગ્રામ છે.
આ સિવાય અમલખાડી, ભાદર, ધાદર, ખારી, વિશ્વામિત્રી, મિંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા અને તાપી નદીનો સમાવેશ થાય છે.
કોર્ટની ગાઈડ લાઈનનો અમલ થતો નથી. કારખાના અને ફેક્ટરીઓના ગંદા અને કેમિકલયુક્ત પાણીએ નદીઓને તો પ્રદૂષિત કરી જ છે. નદીના પટમાં ઉગતા શાકભાજી પણ જોખમી બન્યા છે.
કેન્દ્રએ સાબરમતી, તાપી અને મીંઢોળા નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે રુપિયા 1,875 કરોડ ફાળવ્યા હતા. એ પૈકી છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 559 કરોડ ચૂકવ્યા હતા.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ માત્રને માત્ર ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં રસ ધરાવે છે. જેથી ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી તળાવ અને નદીઓમાં છોડાઈ રહ્યું છે.