સ્વાદ પણ અને સ્વાસ્થ્ય પણ! ફિટનેસ ઇન્ફ્લુઅન્સરની આ સ્પેશિયલ ‘પ્રોટીન પાવ ભાજી’ રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ
આપણને જ્યારે પણ કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય, ત્યારે સૌથી પહેલું નામ મગજમાં ‘પાવ ભાજી’નું આવે છે. પરંતુ, જે લોકો ડાયટ પર હોય કે ફિટનેસના શોખીન હોય, તેમના માટે પાવ ભાજી એટલે કેલરીનો બોમ્બ અને પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ. ઘણીવાર ડાયટ જાળવવા માટે આપણે મન મારીને બેસી રહીએ છીએ. પરંતુ હવે તમારે સ્વાદ સાથે સમાધાન કરવાની જરૂર નથી!
પ્રખ્યાત ફિટનેસ ઇન્ફ્લુઅન્સર વંશિકા ખુરાનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક એવી રેસીપી શેર કરી છે, જેણે ખાઉધરાઓ અને ફિટનેસ ફ્રીક્સ બંનેના દિલ જીતી લીધા છે. તેમણે પરંપરાગત પાવ ભાજીને એક ‘પ્રોટીન ટ્વિસ્ટ’ આપ્યો છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે અત્યંત પૌષ્ટિક પણ છે.
શું છે આ રેસીપીની ખાસિયત?
વંશિકાની આ સિગ્નેચર રેસીપીમાં માત્ર 503 કેલરી છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ એક પ્લેટ પાવ ભાજીમાંથી તમને 27 ગ્રામ પ્રોટીન મળે છે. સામાન્ય રીતે પાવ ભાજીમાં બટાકાનું પ્રમાણ વધુ હોય છે, જે કાર્બ્સ વધારે છે, પરંતુ અહીં વંશિકાએ બટાકાને બદલે સોયા અને મગની દાળનો સ્માર્ટ ઉપયોગ કર્યો છે.
જરૂરી સામગ્રી (3 વ્યક્તિ માટે)
- ½ ચમચી માખણ (અમૂલ કે ઘરનું સફેદ માખણ)
- ૧ ચમચી બારીક સમારેલું લસણ
- ¼ કપ બારીક સમારેલી ડુંગળી
- ¾ કપ તાજા ટામેટાંની પ્યુરી
- ¼ કપ વટાણા, ગાજર, કેપ્સિકમ અને ફૂલકોબી (દરેક)
- ½ નાનું બીટ (કુદરતી લાલ રંગ માટે)
પ્રોટીન સોર્સ:
- ¼ કપ પલાળેલી મગની દાળ
- ૪૫ ગ્રામ સોયાના ટુકડા (Soya Chunks)
મસાલા:
- જીરું, પાવ ભાજી મસાલો, લાલ મરચું, ધાણા-જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું.
- લીંબુનો રસ અને તાજી કોથમીર.
બનાવવાની રીત: સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
૧. સોયા પ્રોટીન તૈયાર કરો:
સૌ પ્રથમ સોયાના ટુકડાને ગરમ પાણીમાં ૫-૬ મિનિટ ઉકાળો. ત્યારબાદ તેનું વધારાનું પાણી નિચોવી લો અને મિક્સરમાં તેને અધકચરા (દાણાદાર) પીસી લો. આ ભાજીમાં બટાકા જેવું ટેક્સચર આપશે અને પ્રોટીન પણ વધારશે.
૨. વઘારની તૈયારી:
એક પ્રેશર કૂકરમાં અડધી ચમચી માખણ ગરમ કરો. તેમાં જીરું અને લસણ ઉમેરો. ત્યારબાદ ડુંગળી નાખીને તે સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. લસણની સુગંધ બેસી જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો.
૩. મસાલાનો જાદુ:
હવે તેમાં પાવ ભાજી મસાલો, મરચું, ધાણા પાવડર અને જીરું પાવડર ઉમેરો. ૨-૩ મિનિટ સુધી મસાલાને તેલ/માખણ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.
૪. શાકભાજી અને દાળનું મિશ્રણ:
હવે તૈયાર કરેલા સોયાના દાણા, પલાળેલી મગની દાળ અને સમારેલા તમામ શાકભાજી (ગાજર, વટાણા, કેપ્સિકમ, કોબીજ, બીટ) ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને શાકભાજી ડૂબે તેટલું પાણી ઉમેરો.
૫. કૂકિંગ અને મેશિંગ:
કૂકરનું ઢાંકણ બંધ કરી ૩ સીટી વગાડો જેથી બધું નરમ થઈ જાય. હવે મેશરની મદદથી ભાજીને એકદમ સ્મૂધ કરી લો. બીટને કારણે ભાજીનો રંગ હોટલ જેવો લાલચટક આવશે. છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો.
૬. પાવને હેલ્ધી બનાવો:
મેંદાના પાવને બદલે આખા ઘઉંના (Whole Wheat) પાવ પસંદ કરો. થોડું માખણ, મરચું અને કોથમીર નાખીને પાવને ગરમ તવા પર શેકી લો.

